શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 મે 2018 (10:21 IST)

કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્યો છુટી રહ્યાં છેઃ વિજય રુપાણી

કર્ણાટકમાં બીજેપી સત્તાની નજીક પહોંચતા હાલ ગુજરાત સહિત દેશભરમાં બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરી પીએમ મોદીની પ્રશંસા કરી હતી. રૂપાણીએ કહ્યું કે,'' કોંગ્રેસના હાથમાંથી તમામ મોટા રાજ્યો એક બાદ એક જતા જાય છે, જનતા કોંગ્રેસને જાકારો આપી રહી છે. કર્ણાટકની જનતાએ ભાજપને જે મેન્ડેટ આપ્યું છે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય થઈ આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હવે કોંગ્રેસ પાસે ત્રણ જ રાજ્ય એવા પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરી બચ્યા છે. દેશની જનતા વિકાસને વરેલી છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ વિકાસ થશે એ સાબિત થતી જાય છે. કોંગ્રેસ ભાગલા પાડી રાજકારણ કરી રહી છે. વિકાસ મોદી જ કરી શકે એ વાત જનતા સ્વીકારી રહી છે.જ્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં નવી જીત મેળવી છે. નરેન્દ્ર ભાઈના નેતૃત્વ પર કર્ણાટકની જનતાએ મહોર મારી છે,અમિત શાહ માત્ર નેતા નહીં પણ કાર્યકર બનીને રહ્યા છે. દેશમાં સ્વીકૃતિનો ચીલો ચાલુ થયો છે. વર્ષ 2014 પછી 14 રાજ્યમાં જીત મેળવી છે. કોંગ્રેસે તમામ પ્રપંચ અને ભાગલાની નીતિ અજમાવી તેને જનતાએ જાકારો આપ્યો છે. વાઘાણીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસને વિનંતિ છે કે રાહુલનો હાથ છોડી દે નહીં તો જે આબરૂ બચી છે એ પણ રહેશે નહીં. ગુજરાતની ચૂંટણીમાં પણ અનેક વાતો ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. મારો સવાલ છે કે, કર્ણાટકમાં તેની જ સરકાર હતી તો જનતા એ કેમ સ્વીકાર્યા નહિં. કોંગ્રેસે પીએમના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને જાહેર કર્યા છે. કોંગ્રેસને વિનંતિ છે કે રાહુલને ખસેડીને નવો ચહેરો સામે લાવે. વજુ ભાઈ વાળા શપથ લેવડાવાના છે એ પણ ગુજરાત ના જ છે.