શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ગુજરાતના કેટલાક નગરો અને ગામડામાં બપોર બાદ હવે સ્વંયભૂ 'લોકડાઉન'

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને કુલ કેસનો આંક હવે ૫૫ હજારને પાર થઇ ગયો છે. લોકડાઉન દરમિયાન કોરોના સંક્રમણના ૮૦% કેસ અમદાવાદ, સુરત, વડોદારામાં નોંધાતા હતા. પરંતુ 'અનલોક'ના પ્રારંભ સાથે જ હવે સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું છે અને નાના જિલ્લાઓ-ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ સ્થિતિને પગલે હવે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારો, નગરો, નાના-મોટા માર્કેટ દ્વારા બપોરના અમુક નિશ્ચિત સમય બાદ સ્વંયભૂ 'લોકડાઉન' પાળવાની છેલ્લા કેટલાક દિવસથી શરૃઆત કરી દેવામાં આવી છે.

કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગુજરાતના સેંકડો નાગરિકોએ સામૂહિક રીતે અનોખી પહેલ શરૃ કરી છે. તાજેતરમાં જ ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાં બપોરે બે બાદ તમામ બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો સ્થાનિક વહિવટી તંત્ર-વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં જ આવેલા દહેગામમાં મોટાભાગના બજાર બપોરે ૪ સુધીમાં બંધ કરી દેવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને પગલે તકેદારીના ભાગરૃપે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વંયભૂ દુકાનોને બંધ રાખવાનો આ નિર્ણય કરાયો છે. વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇમાં આગામી પાંચ ઓગસ્ટ સુધી સવારે ૮ થી બપોરે ૨ સુધી જ દુકાનો ખુલી રાખવા અને ત્યારબાદ નગરજનોને સ્વૈચ્છિક જનતા કર્ફયૂનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે એશિયાનું મોટું ઉંઝા માર્કેટિંગ યાર્ડ ૧૯થી ૨૬ જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ઉંઝા માર્કેટિંગ યાર્ડના બંધને ૨ ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉંઝા અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ ૨૬ જુલાઇ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બોટાદના રાણપુરમાં આગામી ૩૧ જુલાઇ સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી જ સ્વંયભૂ દુકાનો ખુલી રાખવાની જાહેરાત કરાઇ છે. જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ ૨૧ જુલાઇથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું હોવાનું સામે આવ્યું છ. જુલાઇ મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. મોરબીના વેપારીઓ પણ બપોરે ૩ સુધી જ દુકાન-ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતમાં પણ હિરા બજાર સહિત અનેક વેપારીઓ હવે અમુક સમય બાદ સ્વંયભૂ બંધ પાળે છે. ઉત્તર ગુજરાતમાંથી પાલનપુર-ડીસામાં બપોરે ૪ બાદ તમામ દુકાન સજ્જડ બંધ પાળે છે. આ ઉપરાંત પાટણે પણ ૩૧ જુલાઇ સુધી બપોરે ૨ બાદ તમામ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પાટણમાં દુકાનો ઉપરાંત પાનના ગલ્લા-નાસ્તાની લારીઓ પણ બપોરે ૨ બાદ બંધ રાખવામાં આવે છે. મોડાસા શહેરમાં પણ વેપારીઓ બપોરે ૩ બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.