શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (17:39 IST)

બે મહિનામાં મળ્યો ન્યાય - ગેંગરેપના ત્રણેય આરોપીને જીવે ત્યા સુધી કેદની સજા, સગીરાને 6 લાખ રૂપિયાનુ વળતર આપવાનો હુકમ

ભાવનગર શહેરના તળાજા રોડ પર ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની માનસિક અસ્વસ્થ પુત્રીને ચોકલેટ તથા બિસ્કિટ-વેફરની લાલચ આપી ઇકો કારમાં ઉઠાવી જઇ ત્રણ શખસોએ ગેંગરેપ કર્યાની નોંધાવાયેલી ફરિયાદનો આજે માત્ર બાવન દિવસમાં કોર્ટે ત્રણેય આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસે પણ સમય સૂચકતા વાપરી માત્ર 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
 
પોક્સો તથા 376 સહિત કલમ
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની માનસિક રીતે અસ્વસ્થ સગીરાને મનસુખ ભોપાભાઇ સોલંકી નામનો શખસ ચોકલેટ તથા વેફરની લાલચ આપી લઈ ગયો હતો અને કાળિયાબીડ ભગવતી સર્કલ પાસેથી તેને ઇકો કારમાં બેસાડી અલંગ તરફ રવાના થયેલા, જ્યાં રસ્તામાંથી તેના બે મિત્રો સંજય સનાભાઇ મકવાણા તથા મુસ્તુફા આઇનુલહક શેખ નામના શખસને સાથે લીધેલા. દરમિયાન થોડે દૂર જતાં જ સગીરા સાથે ત્રણેયે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અલંગ પહોંચતાં પોલીસની પકડમાં આવી ગયા હતા. આ અંગેની જાણ તેના પરિવારને કરાતાં સગીરાની માતાએ 13 ફેબ્રુઆરીના રોજ ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો તથા 376 સહિત કલમો નોંધી ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી લઇ માત્ર 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
 
12 મુદતમાં જ ચુકાદો 
સગીરા પર ગેંગરેપ થયાનો આ કેસ સેન્સેટિવ માની અદાલતે કેસ ઝડપી ચલાવવાનો નિર્ણય કરેલો, જેમાં માત્ર 52 દિવસમાં 12 મુદતમાં જ ચુકાદા સુધી પહોંચી ગઇ હતી. આ દરમિયાન સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સાઇકોલોજી ડોક્ટરોની પણ સલાહ લઇ જુબાની અને મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરીના રિપોર્ટ માટે ઝડપી કામગીરી કરી માત્ર પાંચ દિવસમાં રિપોર્ટ પણ મેળવેલો અને કેસ દરમિયાન મૌખિક 26 તથા દસ્તાવેજી 72 પુરાવા અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતા.