ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (11:15 IST)

તું બહુ જાડી છે, મને ગમતી નથી. મારે તને રાખવી નથી, પ્રેમિકા સાથે લગ્ન કરવા પત્ની સાથે છૂટાછેડા લેવા માટે પતિનું દબાણ

મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલની નર્સ પત્ની સાથે છૂટાછેડા લેવા માટે પતિએ આત્મહત્યા કરી પરિવારને જેલમાં પુરાવવાની ધમકી આપતો હતો. પ્રેમિકા સાથે લગ્ન કરવા પત્ની પર છૂટાછેડા લેવા પતિ દબાણ કરતો હતો. તું બહુ જાડી છે, મને ગમતી નથી. મારે તને રાખવી નથી તેમ કહી પતિ પત્નીને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. આ અંગે બાપુનગર પોલીસે મહિલાની ફરિયાદ આધારે તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
રખિયાલની મેઘધારા સોસાયટીમાં રહેતી જેકલીન (નામ બદલ્યું છે.) (ઉ.વ.32) એલજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે.  2016માં જશોદાનગર ચર્ચમાં સામાજિક રિવાજ મુજબ હાર્દિક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ સાથે CTM ખાતે મારુતિ ફ્લોરા ફ્લેટમાં રહેવા ગઈ હતી. 2 વર્ષ બાદ પતિ સાથે તેના માતા-પિતાને ઘરે રહેવા આવી હતી. 2018માં પુત્રીને જન્મ આપ્યો હતો. દિકરી દોઢ વર્ષની થઈ બાદમાં પતિ હાર્દિકનું વર્તન બદલાવવા લાગ્યું હતું. આ દરમિયાન પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધો હોવાની જેકલીનને જાણ થઈ હતી. આ બાબતે પતિ હાર્દિક સાથે વાત કરતા તે ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. પત્નીને અપશબ્દો બોલી ઝઘડા કરતો હતો. મેરેલીને આ બાબતે તેના માતા-પિતાને વાત કરતા પતિએ અન્ય સ્ત્રી સાથે તેના સબંધોનો સ્વીકાર કર્યો અને પત્નીએ જણાવ્યું કે, મારે તારી સાથે છૂટાછેડા લઈ તેની જોડે લગ્ન કરવાના છે.
 
જેકલીનના માતા-પિતાએ 21 જાન્યુઆરીએ હાર્દિક અને તેના પિતાને સમાધાન માટે ઘરે બોલાવ્યા હતા. તે સમયે પતિએ પત્ની પર દોષનો ટોપલો ઢોળી મારે તારાથી છૂટાછેડા લેવાના છે, જો તું છૂટાછેડા નહીં આપે તો તારા મકાનમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લઈશ. અપશબ્દો બોલી કહ્યું, તું અને તારી દીકરી તમારી રીતે જીવી લેજો, હું બીજી પત્ની કરવા જાવ છું. તેમ કહી પતિ નીકળી ગયો હતો. તે પછી પણ હાર્દિક અવારનવાર ફોન કરી તું છૂટાછેડા નહી આપે તો હું આત્મહત્યા કરી મરી જઈશ અને તને અને તારા પિયરવાળાને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપતો હતો. પતિને પોતાને તેડી જવા અને સ્વીકારી લેવા વિનંતી કરવા છતાં પતિ માન્યો ન હતો.