રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (12:27 IST)

ઘરેથી ભાગેલી કિશોરીને મિત્રએ દેહવેપાર કરાવતી મહિલાને સોંપી દીધી

શહેરના કાપોદ્રા વિસ્તારમાં માતા-પિતાના ઝઘડાથી કંટાળેલી એક કિશોરી ઘરેથી ભાગી ગઈ હતી. ઘરેથી ભાગેલી યુવતી તેના એક મિત્ર પાસે પહોંચી હતી. મિત્રએ મદદ કરવાના બદલે તેને દેહવેપાર કરાવતી એક મહિલાને સોંપી દીધી હતી. જે બાદમાં મહિલાએ કિશોરીને દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી હતી. જોકે, એક કિન્નરે કિશોરીને બચાવી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે કાપોદ્રામાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી કિશોરી ગત 15મી તારીખે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. કિશોરી ઘરે ન આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે એક કિન્નર કિશોરીને પોલીસ સ્ટેશન લઈને આવ્યો હતો. 
કિશોરીની શારીરિક હાલત સારી ન હોવાથી પોલીસે શરૂઆતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર બાદ કિશોરીએ નિવેદન આપ્યું હતું કે, તેણી માતા-પિતાના ઝઘડાથી કંટાળીને ઘરેથી ચાલી ગઈ હતી. આ દરમિયાન તેણી પોતાના મિત્રો સાથે જ રહી હતી. જોકે, તેના એક મિત્રએ તેને મજૂરાગેટ પાસે દેહવેપાર કરાવતી સવિતા નામની એક મહિલાની સોંપી દીધી હતી.ઘરેથી ભાગેલી કિશોરી મિત્ર મારફતે સવિતા પાસે પહોંચી હતી. જે બાદમાં સવિતાએ કિશોરીને નવાં નવાં કપડાં અને મોબાઇલ ફોન લઈ આપવાની લાલચ આપી હતી. બીજા દિવસે સવિતા કિશોરીને તૈયાર કરીને મજૂરાગેટ પાસે લાવી હતી. અહીં ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કરીને સવિતાએ કિશોરીને તેની સાથે મોકલી દીધી હતી. 
સતત ત્રણ દિવસ સુધી ગ્રાહકો સાથે મોકલ્યા બાદ કિશોરીની હાલત ખરાબ થઈ હતી. પોતે દેહવેપારની જાળમાં ફસાઈ ગઈ હોવાનું જાણીને પાંચ દિવસ પહેલા કિશોરી સવિતાના ઘરેથી ભાગી ગઈ હતી. ઘરેથી ભાગેલી કિશોરી રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીં એક કિન્નરનું ધ્યાન કિશોરી પર પડ્યું હતું. કિશોરીની હાલત સારી ન હોવાથી કિન્નરને કંઈક અજુગતું થયું હોવાની શંકા થઈ હતી. જે બાદમાં તે કિશોરીને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસે કિશોરીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે કિશોરીનું અપહરણ, બળાત્કાર, પોક્સોનો ગુનો દાખલ કરીને સવિતાની ધરપકડ કરી હતી.