સ્વાતંત્રસેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા. ચાર વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેથી તેમનો ગરીબીમાં ઊછેર થયો. પારસીઓમાં વિધવાલગ્નની મંજૂરી હતી છતાં માતાએ બીજુ ઘર માંડ્યું નહીં અને પુત્રને મહેનત કરી સારી સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું. સાથે જ તેમણે દાદાભાઈમાં સારા સંસ્કારોનું સિંચન પણ કર્યું. દાદાભાઈ તેમના જીવનમાં જે કંઈ બની શક્યા તે માટે તેમનાં માતાની ભૂમિકા અને પ્રેરણા મહત્ત્વની બની રહી. મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી દાદાભાઈ મુંબઈની એલફિસ્ટન ઈંસ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા. પોતે ધંધાકીય કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓ 30 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાનું કોમર્શીયલ હાઉસ ઊભુ કર્યુ.
1851માં ધર્મ-સુધારણા માટે રહનુમા-ઈ-મઝદયરન સભાની સ્થાપના કરી અને આ સંસ્થા મારફતે રાષ્ટ્ર ગોફતાર નામના મુખપત્ર દ્વારા પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યુ. ત્યારબાદ દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું. 1859માં ઈન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ. ભારતીય સમાજમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે કોઈ પદ્ધતિસર કામ કરનાર પ્રથમ વ્યક્તિ હોય તો એ દાદાભાઈ નવરોજી છે. 1861માં તેઓએ ધ લંડન અંજુમન નામની સંસ્થા સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. 1862માં ભારતની વાસ્તવિક પરિસ્થિતિ અને અંગ્રેજ શાસનમાં થયેલી દૂર્દશા તથા ભારતીય પ્રજાની જરૂરિયાતોનો સાચો ખ્યાલ ઈગ્લેન્ડની પ્રજા સુધી પહોચાડવાના ઉદ્દેશથી દાદાભાઈએ ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન નામે એક વગદાર સંસ્થાની સ્થાપના કરી.
દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે. તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. દાદાભાઈ વિવિધ ક્રાંતિકારી કાર્યક્રમોમાં જોડાઈને 1904માં સ્વરાજની માંગણી કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે અને ગાંધીજી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓ દાદાભાઈને એક વરિષ્ઠ સલાહકાર તરીકે આદર આપતા હતા. જેને કારણે એમને હિંદના દાદાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
પોતાના વ્યયસાય ઉપરાંત તેઓ સમાજસુધારણાનું કામ કરતા. તેમણે 'રહનુમા-ઇ-મઝદયરન' સભા નામની પારસી યુવકોની સંસ્થા સ્થાપી જે સમાજસુધારાનું કામ કરતી. આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા માસિક 'રાસ્ત ગોફ્તાર'ના તેઓ તંત્રીપદે હતા. ધંધામાં કારકિર્દી શરૂ કરવા તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને 1855માં લંડન સ્થિત પારસી પેઢીમાં ભાગીદાર બન્યા હતા. તેમાંથી છૂટા થઈ તેમણે પોતાનો કૉટન ટ્રેડિંગનો વ્યવસાય 'દાદાભાઈ નવરોજી ઍન્ડ કંપની તરીકે કર્યો' અને ખૂબ મહેનત કરી પોતાનુ કૉમર્સિયલ હાઉસ ઊભું કર્યું. તેમણે 31 ઑક્ટોબર 1861ના રોજ 'ધી લંડન અંજુમન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓ પારસીઓમાં કુરિવાજો અને અંધશ્રદ્ધા નાથવા માટે પ્રયત્નશીલ હતી.
1862માં તેમણે ઇંગ્લૅન્ડમાં હિંદના લોકોને થતા અન્યાય અને દેશની ગરીબીથી બ્રિટિશરોને વાકેફ કરવા 'ઇસ્ટ ઇન્ડિયન ઍસોસિયેશન'ની સ્થાપના કરી. 'ઇન્ડિયન સિવિલ સર્વિસ'માં ભરતી માટે થતા અન્યાય સામે દાદાભાઈએ આંદોલન છેડ્યું. ભારતીય બુદ્ધિજીવીઓને આગળ લાવવા પ્રયત્ન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતી.
1869ના જુલાઈ માસમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા મુંબઈના શેરીફ પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈ નવરોજીનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં દાદાભાઈને રૂપિયા 25000 આપવામાં આવ્યા ત્યારે દાદાભાઈએ સન્માન પેટે મળેલી રકમ ઇસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશનને દાનમાં આપી. તે વખતે ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનો સન્માનકાર્યક્રમ યોજ્યો હતો.
દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા. પણ દાદાભાઈના દિલમાં તો લોકસેવા કરવાની ભાવના વસી હતી તેથી તેઓ વડોદરાનું મોભાદાર દીવાનપદ છોડી મુંબઈ ગયા અને 1885થી 1888 સુધીના સમયમાં 'બૉમ્બે લૅજિસ્લેટીવ કાઉન્સિલ'ના સભ્ય તરીકે પણ ચૂંટાયા.
તેમણે બ્રિટિશ પાર્લમેન્ટમાં વૃદ્ધો માટે પેન્શન, સ્ત્રીઓના મતાધિકાર અને આયર્લૅન્ડમાં હોમરુલની હિમાયત કરી હતી. સાથોસાથ ત્યાં વસતા ભારતીય લોકોના હિતોની પણ તેમને ચિંતા હતી. દાદાભાઈએ લખેલું 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા' નામના પુસ્તકમાં તેમણે ભારતમાં ગરીબી, શોષણ અને અન્યાય વિષે વિસ્તૃત અભ્યાસપૂર્ણ રજૂઆત કરી.
પુસ્તકથી પ્રભાવિત થઈ ઇંગ્લૅન્ડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ એક વર્ગ ઊભો થયો જેને પરિણામે બ્રિટિશ પાર્લમેન્ટે ભારતની પ્રજાને વધુ લાભ આપવા પડ્યા. સાથે જ ભારતને આર્થિક ન્યાય અપાવવા માટે જેની રચના કરવામાં આવી હતી તે શાહી કમિશનના તેઓ સભ્ય બન્યા.
તેમણે આ દેશને સ્વરાજનો મંત્ર આપ્યો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં તેમણે દાદાભાઈ નવરોજીને પત્ર લખી સલાહ માગી હતી. દાદાભાઈ ગાંધીજીથી લગભગ 44 વરસ મોટા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ ગાંધી જેવા યુવા રાષ્ટ્રીય નેતાઓ તેમની સલાહ લેતા અને આદર કરતા હતા.
દાદાભાઈ ગાંધીજી માટે એક પ્રેરકબળ હતા કારણ કે દાદાભાઈ નવરોજી પહેલાં કોઈ એવી વ્યક્તિ નહોતી કે જે સ્વાતંત્ર્યની લડતમાં રાહબર બની રહે.
1857નો પ્રથમ વિપ્લવ નિષ્ફળ ગયો અને સમગ્ર દેશમાં નિરાશાનું વાતાવરણ હતું ત્યારે દાદાભાઈ નવરોજીએ દેશ માટે એક ઉદ્દીપક બની સમગ્ર દેશમાં ચેતનાનું વાતાવરણ ઊભું કર્યું હતું. બ્રિટિશ પાર્લમેન્ટમાં ભારતને સ્વતંત્રતા મળે તેના તેઓ સૌ પ્રથમ હિમાયતી હતા. દાદાભાઈએ પ્રચાર અને પ્રસાર થકી રાજકીય ચેતના જાગૃત કરવા માટે 'મુંબઈ ઍસોસિયેશન' નામની સંસ્થાની સ્થાપના કરી જેનો ઉદ્દેશ લોકોના હિતોનું રક્ષણ કરવાનો હતો.
દાદાભાઈ કન્યાકેળવણીના હિમાયતી હતા. તેઓ સાથીઓ સાથે ઘરેઘરે જઈને માતા-પિતાને દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેમની મહેનતથી કન્યાશાળાઓ શરૂ થવા લાગી. જનતાએ માગ્યા વિના જ ધનની મદદ કરીને આ નવી ક્રાંતિનું સ્વાગત કર્યું.
મુંબઈના તે વખતના ગવર્નર લૉર્ડ ફૉક્લૅન્ડે તેમની સરકાર તરફથી તેમને અને તેમના સાથીદારોને અભિનંદન આપ્યાં એટલું જ નહીં, પરંતુ એમનાં કાર્યોને યુગપરિવર્તક પણ ગણાવ્યાં. આમ ભારતમાં મુંબઈથી કન્યાશિક્ષણનો દીપ પ્રગટી ઉઠ્યો જેનો પ્રકાશ સમગ્ર ભારતમાં ફેલાયો. દાદાભાઈ કોઈ પણ જાતના ભેદભાવ રાખતા નહોતા. તેઓ બધાજ ભારતીયોને એક સમાન ગણતા. તેથી તેમણે દરેકનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. આથી તો તેઓ ભારતના રત્ન સમાન 'દાદા' તરીકે ઓળખાયા હતા. કન્યાકેળવણીના પ્રખર હિમાયતી અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર બધાને સરખા ગણતા 'હિંદના દાદા'નું 1917માં 91 વર્ષની જૈફ વયે અવસાન થયું.