1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2020 (11:20 IST)

વેપારીઓ માલસામાનની હેરફેરમાં કોઈ તકલીફ પડે તો 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માંગી શકશે : અશ્વિની કુમાર

લૉકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નિયમિત મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં કરિયાણાના વેપારીઓ, દૂધના પાર્લર અને શાકભાજીના વિક્રેતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે પાસ ઇસ્યુ કરાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને મુખ્યમંત્રીએ સુચના આપી દીધી છે અને તાત્કાલિક ધોરણે પાસ ઈસ્યુ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
 
અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રીટેલ માર્કેટ, જથ્થાબંધ વેપારીઓ અને એપીએમસી કક્ષાએ સમગ્ર રાજ્યમાં વેપારીઓને કોઈ તકલીફ ન પડે અને જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓની તંગી ન વર્તાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, શાકભાજી અને ફળફળાદી વિક્રેતાઓ એક જ જગ્યાએ જમા થઈને ઉભા રહીને ગંભીર સ્થિતિ પેદા ન કરે તેના બદલે પોતાની લારી લઈને સોસાયટીઓમાં- શેરીઓમાં જઈને વિતરણ કરે તે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સપ્લાય ચેનમાં કોઈ જ અવરોધ ન ઊભો થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ ડીલરો સાથે વાત કરીને અનાજના પુરવઠાની તંગી ન વર્તાય તેવું આયોજન કરવાની સૂચના આપી છે. મુખ્ય સચિવશ્રી કક્ષાએથી પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોના મુખ્ય સચિવ કક્ષાએ પરામર્શ કરીને ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અવરોધાય નહી તેની કાળજી લેવામાં આવી છે.
 
અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, શાકભાજી અને ફળફળાદીના વેપારીઓ કે અનાજ - કરિયાણાના વેપારીઓ ચીજ વસ્તુઓની હેરફેરમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈપણ અવરોધ ઊભો થાય તો 100 નંબરનો ઉપયોગ કરી શકશે. વેપારીઓ 100 નંબર ડાયલ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી શકશે.