રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ઑક્ટોબર 2019 (11:30 IST)

રાજય સરકારની સરકારી કર્મચારીઓને બોનસરૂપી દિવાળી ભેટ, પગાર વહેલો ચુકવાશે

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓનો ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચુકવી દેવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
 
નિતિન પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના ૫.૧૧ લાખ અધિકારી/કર્મચારીઓ ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાં તા.૨૧/૨૨/૨૩ ઓક્ટોબર દરમ્યાન ચુકવવામાં આવશે તથા ૪.૫૪ લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચુકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.
 
રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે.
 
રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ - નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. 
 
રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને રૂા.૧૦.૯૧ કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના એકત્રીસ હજાર પાંચસો છન્નું કર્મચારીઓને લાભ મળશે.