સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (15:19 IST)

ફાફડા-જલેબીની કિંમતમાં ગત વર્ષ કરતાં આ વખતે 20 ટકા સુધીનો ભાવવધારો

વિજયા દશમી' નામ પડતાં જ મોટાભાગના ગુજરાતીઓના મગજમાં રાવણ દહન બાદ બીજો કોઇ વિચાર આવતો હશે તો તે ફાફડા જલેબી જ હશે. જોકે, આ વખતે દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવા હશે તો ૧૦થી ૧૫ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે ફાફડાની કિંમત પ્રતિ કિગ્રાએ રૃપિયા ૪૬૦થી રૃપિયા ૫૨૦ જ્યારે જલેબીની કિંમત પ્રતિ કિગ્રાએ રૃપિયા ૫૮૦થી રૃપિયા ૬૩૦ ચાલી રહી છે. 

ફાફડા-જલેબી માટેની સામગ્રીની કિંમતમાં વધારો થતાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ ભાવવધારો કરી દીધો છે. આ ઉપરાંત કારીગરો પણ વધારે ભાવ લે છે. જેના કારણે દશેરાના દિવસે કારીગરો પણ મળતા ન હોવાથી તેઓને પણ ઊંચા ભાવ આપવા પડે છે. અમદાવાદ ફરસાણ એસોસિયેશને જણાવ્યું હતું કે, 'શહેરમાં ફરસાણ એસોસિયેશનના ૪૦૦ સભ્યો છે. આ ઉપરાંત ૩ હજાર જેટલા નોંધાયા વિનાના ફરસાણના વેપારીઓ છે, જેઓ ફાફડા-જલેબીનું વેચાણ કરતા હોય છે. મોટાભાગના વેપારીઓ દશેરના બે દિવસ અગાઉ મંડપ બાંધીને જ ફાફડા-જલેબીનો વેપાર શરૃ કરી દેતા હોય છે.' જોકે, આ વખતે વરસાદી માહોલ અને મંદીના વાતાવરણને કારણે ફરસાણના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

વેપારીઓનું કહેવું છે કે ગમે ત્યારે વરસાદી ઝાપટાં પડી જાય છે. જેના કારણે માલનું નુકસાન થઇ શકે છે. ફાફડા પહેલેથી બનાવી રાખવામાં આવે તો હવાઇ જાય છે. જેના કારણે ફાફડાનો સ્ટોક કરી રાખવો પણ યોગ્ય નથી. અગાઉ નવરાત્રિના છઠ્ઠા-સાતમા નોરતાથી જ ફાફડા-જલેબીની બહાર મોડી રાત્રે ઘરાકી જામતી હતી. પરંતુ આ વખતે તેમાં પણ પ્રમાણ સાધારણ રહ્યું છે. અલબત્ત, મોટાભાગના વેપારીઓનું એમ પણ માનવું છે કે મોટાભાગના અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના દશેરા અધૂરી જ ગણાય છે. જેના કારણે દશેરાએ દર વર્ષની જેમ આ વખતે પણ મોટાપ્રમાણમાં લોકો ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડશે.