શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 ઑક્ટોબર 2018 (11:54 IST)

સુરતમાં ધુમ્મસની ચાદર ફેલાઈ, લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી

ગુજરાતમાં વરસાદની સિઝન બાદ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ક્યાંક મુશળધાર વરસાદ તો ક્યાંક ઉનાળા જેવી આગ ઝરતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં આજે સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને દૂરનું જોવામાં ગાઢ ધુમ્મસ બાધારૂપ બનતા લોકો પણ સાવચેતીથી વાહનો ચલાવાતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસથી લો વિઝિબિલિટીના કારણે એર વ્યવહારને પણ અસર પહોંચી છે. હૈદરાબાદ-સુરતની સ્પાઈસ ઝેટની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી-અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. ધીમે ધીમે ધુમ્મસ હટી રહ્યું છે. જોકે, વિઝિબિલિટી આવ્યા બાદ સુરત એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવશે.