સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દટાયા, બેનાં મોત
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો હતો. જેથી ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં.જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે, કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે. જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે, રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી. તેમજ બિલ્ડીંગ કેટલું જૂનુ હતું. તે અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ યોગ્ય પગલા પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દોડી આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાનું ફાયરબ્રિગેડ યોગ્ય કામગીરી કરી રહ્યું છે. જો કે, આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડીંગ ઉતારવું યોગ્ય નથી. લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય તેવી હું માંગ કરીશ તેમ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું.
ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું કે,એમ્બ્રોઈડરી કારખાનામાં અંદાજે 60થી 70 કામદારો કામ કરતા હતા. તે દરમિયાન માલિકે જણાવ્યું કે, તે આગળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન દિવાલ ધસી પડતા કામદારો કાટમાળ નીચે દબાયેલા હતા. કાર બે કે ચાર લોકો અને રેસ્ક્યુ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે. જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમના મોત થયા છે. તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.