શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , બુધવાર, 24 મે 2023 (17:42 IST)

કેબિનેટની બેઠકમાં નિર્ણયઃ ગુજરાત સરકાર આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડશે

ધારાસભ્યને ગ્રાન્ટમાં 25 હજારની કેપ આપવામાં આવી હતી તે દૂર કરાશે
પહેલી જૂનથી 6 વર્ષની ઉંમરના બાળકોને જ ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે
 
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા છે તેમજ  મહત્વની ચર્ચાઓ કરાઈ છે જેને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરમાં થયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ છે તેમજ શહેરી વિકાસ અને સરકારી કર્મચારીઓની તાલીમ પર ચર્ચા કરાઇ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ચિંતન શિબિરની વિવિધ કમિટીઓ આરોગ્યલક્ષી મુદાઓ પર ચર્ચા થઈ છે તેમજ વિવિધ જૂથ દ્વારા ગહન ચર્ચા થઈ હતી. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્ણય કરેલ કે ધારાસભ્યને ગ્રાન્ટમાં 25 હજારની કેપ આપવામાં આવી હતી તે દૂર કરવામાં આવશે. જેથી વધુ સારો વિકાસ થશે.
 
નવુ ભરતી કેલેન્ડર બનાવવામાં આવશે
ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, નવા અચિવમેન્ટ માટે ચર્ચા કરી આગળનો રોડમેપ બનાવવામા આવશે  કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડાશે તેમજ વર્ષ 2014થી 2023સુધીમા 1.67 લાખ ભરતી કરવામા આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે,  2023-2024 માટે નવુ ભરતી કેલેન્ડર બનાવવામાં આવશે તેમજ સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૧૨- ૧૩-૧૪, જૂન-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે.
 
બાળકની 6 વર્ષની ઉંમર હશે તો જ મળશે પ્રવેશ
તેમણે ઉમેર્યું કે, જૂન-૨૦૨૩ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત દરવર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોની ઉંમર ૧ લી જૂનના રોજ ૫(પાંચ) વર્ષથી વધુ અને ૬(છ) વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે, અને જે બાળકની ઉંમર ૧ લી જૂનના રોજ ૬(છ) વર્ષથી વધુ અને ૭(સાત) વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. 
 
'પાણી નથી ત્યાં પાણી પહોંચે તેવી સુવિધા કરી રહ્યા છીએ'
ઉનાળોમાં પીવાના પાણીની સમિક્ષા કરવામા આવી છે તેમજ ડેમમાં પીવાના પાણીના અનામત જથ્થા સંદર્ભે સમીક્ષા થઈ છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. પાણી જ્યાં નથી ત્યાં પાણી પહોંચે તેવી સુવિધા ઉભી કરી રહ્યા છીએ અને રાજકોટના 7 અને પડધરીના 5 ગામોને ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે તેવી વાત  ઋષિકેશ પટેલ કરી છે. 72 ડેમોમાં પાણી આરક્ષિત છે. સરકાર જે ગામોમાં પાણી નથી પહોંચાડી શકતી તે ગામોમાં ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે. તે ઉપરાંત રાજ્યમાં 3 હજાર બોર બનાવવાની મંજુરી આપવામાં આવી છે અને હેન્ડ પમ્પ રિપેરીગ માટે 14 જિલ્લામાં વિવિધ ટીમો તૈનાત કરી દીધી છે.