શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2016 (12:43 IST)

ખંભાતમાં કોમી અથડામણ, સમગ્ર વિસ્તારમાં પોલીસ ખડકાઈ

આણંદ જિલ્લાના ખંભાતમાં  આવેલા પીઠ વિસ્તારમાં સામાન્ય બાબતે હિંદુ-મુસ્લિમ કોમના ટોળાઓએ આમને સામને પથ્થરમારો કર્યો હતો. તેમજ કેટલીક દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ડહોળાતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા. ખંભાતના પીઠ બજારમાં અચાનક બે કોમના લોકો વચ્ચે સામાન્ય વાતચીતમાં અથડામણ સર્જાઈ હતી. જોતજોતામાં બે જૂથના લોકો એકબીજા પર તૂટી પડ્યા અને બંને જૂથના લોકોએ એક બીજા પર ભારે પથ્થરમારો કરતા માહોલ ગરમાયો હતો. કોમી છમકલામાં ટોળાઓને વિખેરવા ગયેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઇને ઇજા પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પીઠ વિસ્તારમાં ફેલાયેલી અશાંતિની પરિસ્થિતિ પર કંટ્રોલ કરવા માટે ખંભાત જિલ્લા પોલીસ કાફલાને ઘટના સ્થળે ઉભો કરી દેવામાં આવ્યો હતો. દિવાળી બાદ નવા વર્ષમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતાં. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સ્થિતિનો તાગ મેળવવા રેન્જ આઇ.જી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. સલામતી માટે એસઆરપીની 4 ટીમ પણ ઉતારવામાં આવી છે.