ઠંડા પડેલા અલ્પેશ ઠાકોર ફરી જાગ્યા, આગામી વિધાનસભાની ચૂંટણી બાદ ઠાકોર ઉમેદવાર સીએમ બનશે
ડીસામાં ઓબીસી, એસ.ટી. એસ.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં વિજેતા સરપંચોનો સન્માન સમારોહ રખાયો હતો. જેમાં ૧૫૦થી વધુ સરપંચોનું વિજેતા બનવા માટે સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જેમાં મંચ ઉપરથી અલ્પેશ ઠાકોરે દારૃબંધી માટે વધુ કડકાઈ દાખવવાની અને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ઠાકોર સમાજનો ઉમેદવાર મુખ્યમંત્રી બનશે તેવો હૂંકાર કર્યો હતો. ડીસાની એસસીડબલ્યૂ સ્કૂલ ખાતે યોજાયેલા સરપંચ સન્માન સંમેલનમાં અધ્યક્ષ પદે ઓબીસી, એસ.ટી., એસ.સી., એકતા મંચના અલ્પેશ ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાજેતરની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં વિજેતા બનેલા ૧૫૦થી વધુ સરપંચો પણ હાજર રહ્યા હતા.ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શન સમાન સંમેલનમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક ટેકેદારો પણ હાજર રહ્યા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે ચૂંટાયેલા સરપંચોનું ભવ્ય સન્માન કરી તેમના કાર્યોમાં સહકારથી જોડાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રબારી સમાજના આગેવાનોએ પણ પાઘડી અને લાકડી આપી અલ્પેશ ઠાકોરને સત્કારી તેમના ટેકામાં સૂત્રોચ્ચાર કર્યા હતા.અંદાજીત ૧૫ હજારની જનમેદનીને સંબોધતા અલ્પેશ ઠાકોરે સરકારે અને વિરોધ પક્ષ કોંગ્રેસે પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે આક્રોશપૂર્વક જણાવેલ કે ભાજપ સરકારને દારૃબંધીનો કાયદો ઘડવા માટે ક્ષત્રિય સેનાએ મજબૂર કરી હતી અને તે રીતે દારૃબંધી માટે કડક કાયદો ઠાકોર સેનાને આભારી છે. ગાંધીનગરમાં ઘેરાબંધી બાદ સરકાર ઝુકી હતી. તેમને બનાસકાંઠામાં એસ.પી. અને રાજકીય આગેવાનોની નિષ્ક્રીયતામાં દારૃના અડ્ડા પુન: ધમધમતા થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં છાશવારે પડતા ગાબડા બાબતે ઝાટકણી કાઢી હતી અને જાહેર કર્યું હતું કે નર્મદા કેનાલના ગાબડા રાજકીય નેતાઓના મળતીયા કોન્ટ્રાક્ટરોને આભારી છે. સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ગાબડા પડે છે. જે ભ્રષ્ટાચારનો પુરાવો છે અને જો હવે ગાબડા પડશે તો સરકારના મંત્રીઓ અને નેતાઓની ઘેરાબંધી કરી તેમને પ્રજાદ્રોહનો પાઠ ભણાવીશું.સરપંચ સન્માન સભામાં અલ્પેશ ઠાકોરે એક અગત્યની ચોંકાવનારી રાજકીય જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સરકારમાં મુખ્યમંત્રી ઠાકોર બનશે કેમકે રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસ દ્વારા સમયાંતરે મતદારોનો વિશ્વાસઘાત કરાયો છે.આ સભામાં અલ્પેશ ઠાકોરે પી.એમ. નરેન્દ્ર મોદીને પણ આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, ડીસાના બટાટાને સોનાનું બટાટા બનાવવાની વાતો પીએમ દ્વારા કરાઈ હતી. ત્યારે બટાટાના તળીયે ભાવો છે અને વારંવાર ખેડૂતોને બટાટા રોડ પર ફેંકવા પડે છે. અલ્પેશ ઠાકોર દ્વાર સરપંચ સન્માન સમારોહમાં વર્તમાન ભાજપ સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો હતો.