ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 10 દિવસના વિરામ બાદ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં શિયરઝોન નામની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 89.57 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે.