સજા પુરી થઈ ગયા છતાં પાકિસ્તાનની જેલમાં છે બંધ કચ્છી યુવક
કચ્છના ભુજ તાલુકાના સરહદી નાના દિનારા ગામનો સમા ઇસ્માઇલ લીમામદ 2008માં ઘરેથી ગાયો ચરાવવા નીકળ્યા પછી લાપતા બન્યો છે. આ યુવાન પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું અને સજા કાપી લીધા પછી પણ હજુ છૂટવાની રાહ જોઈ રહ્યો છે. ઇસ્માઇલ માત્ર ભારતીય રાષ્ટ્રીયતાના મુદ્દે જેલમાં વધુ બે વર્ષની સજા કાપી ચુકયો છે. આ યુવાન લાપતા બન્યા પછી તે પાકિસ્તાન પહોંચ્યા હોવાની મોડે મોડે જાણ થઇ હતી. હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં બંધક બનેલા આ આધેડની સજા 2016માં પૂરી થઇ ગઇ છે. પરંતુ તેની રાષ્ટ્રીયતાની ખરાઇ નહીં થતાં હજુ સુધી તે પાકિસ્તાની જેલની હવા ખાય છે. આર.ટી.આઇ. કાર્યકર્તાએ તેમના માટે દાખલ કરેલી અરજીનાં પગલે તેમની મુક્તિ માટે ગતિવિધિ શરૂ થઇ છે. છેલ્લે પાકિસ્તાની જેલમાંથી ઝુરા ગામના મામદરફીક સુલેમાનને દિનારાના સામાજિક કાર્યકર અને માનવસેવા પચ્છમ વિસ્તાર વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ ફઝલ અલીમામદ સમાએ કરેલી કાનૂની કાર્યવાહી બાદ ગયા વર્ષે મુક્ત થયો હતો. મુક્ત થયેલા રફીકે જણાવ્યું હતું કે, ઇસ્માઇલ અલીમામદ સમા પણ હૈદરાબાદ જેલમાં બંધક છે. તેની સજા પણ પૂરી થઇ ગઇ છે. આમ તેમની પાસેથી જાણવા મળ્યું કે આ વર્ષોથી લાપતા ઇસ્માઇલ પાકિસ્તાનમાં છે. જેને પગલે ઇસ્માઇલના પત્ની કમાબાઇએ 23મી ડિસેમ્બરે કાનૂની કાર્યવાહી શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સાંસદ વિનોદભાઇ ચાવડાનું ધ્યાન દોરતાં પાકિસ્તાન હાઇ કમિશનર દ્વારા મુક્તિના પ્રયાસો શરૂ થયા છે. પાકિસ્તાન-ઇન્ડિયા પિપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસીથી જોડાયેલા આર.ટી.આઇ. કાર્યકર જતિન દેસાઇએ કરેલી અરજીને પગલે તેમની રાષ્ટ્રીયતા નક્કી ન હોવાનું અને જેલમાં જેલવાસ અને મુક્તિ અંગે વિગતો પાઠવી હતી.