ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 જૂન 2018 (13:03 IST)

ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ 10મી જૂને ‘જેલ ભરો’ આંદોલન કરશે

દેશભરમાં હાલમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ મામલે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ધાનાણીએ ખેડૂતોના આંદોલને ટેકો આપીને જણાવ્યું હતું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો ‘જગતના તાત’ની સાથે તા. 10 જૂનના રોજ રસ્તા પર ઉતરીને  કોંગ્રેસ ‘જેલ ભરો’ આંદોલનમાં જોડાશે. તેમને વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં ‘જગતનો તાત’ આજે રસ્તા પર આવી ગયો છે. ખેતીની જમીન ઘટી રહી છે. જે ‘જગતના તાત’ને કોંગ્રેસે જમીનનો માલિક બનાવ્યો હતો. પણ આજે ભાજપના આભડછેટ જેવા વર્તનને કારણે ખેડૂતોની આ સ્થિતિ ઉદભવી છે.
વિપક્ષના નેતાએ ભાજપને ચીમકી આપતા કહ્યું હતું કે, ખેડૂતોનું દેવું માફ કરો, નહિંતર દેશમાંથી ‘બીજેપીની સરકાર સાફ કરો’ના સૂત્રની ખેડૂતોના વિવિધ મુદ્દાના આંદોલનને કોંગ્રેસ સાથ અને સમર્થન આપશે. જેના અંતર્ગત તા. 8 જૂનના રોજ રાજ્યના દરેક તાલુકા મથકોએ ધરણા કરવામાં આવશે. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 9 જૂનના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસ અને ઘંટારવના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 9 જૂન સુધી ખેડૂતોની માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો ‘જગતના તાત’ની સાથે તા. 10 જૂનના રોજ રસ્તા પર ઉતરીને  કોંગ્રેસ ‘જેલ ભરો’ આંદોલનમાં જોડાશે. તા. 9 મી જૂનના રોજ સાંજે પાંચ વાગે રાજયના તમામ તાલુકા મથકે રહેલા જાહેર ચોરા સહિત શહેરોમાં કૉંગ્રેસના તમામ કાર્યકર્તા દ્વારા ખેડૂતોના હિતમાં ઘંટનાદ કરવામાં આવશે. આમ છતાંય ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે હકારાત્મક નહીં દાખવે તો તા. 10 જૂનના રોજ કૉંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને રાજયભરના તમામ જિલ્લામાં ‘રસ્તા રોકો’ આંદોલન અને ‘જેલ ભરો’ આંદોલન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અપમૃત્યુએ ભૂલથી દવા પી જવું. પાણીમાં પડી જવું. સળગી જવું. એવું થાય પરંતુ જ્યારે ઈરાદાથી કરે તો આપઘાત ગણાય છે. રાજ્યમાં 22086 આત્મહત્યા થાય છે, જ્યારે 31000 અપમૃત્યુ બતાવાય છે. આ ઉપરાંત પાક વીમાનું પ્રીમિયમ મરજિયાત કરવું જોઈએ અને નવી પોલિસીમાં રાજય સરકાર અને ભારત સરકારના નેજા હેઠળ નવી કૃષિ વીમા કંપનીઓ શરૂ થવી જોઇએ તેવી પણ કૉંગ્રેસની માંગ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 8, 9 અને 10 જૂન દરમિયાન કોગ્રેસ પક્ષ દ્વારા તાલુકા સ્તરે કાર્યક્રમો આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર, રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવો યોજાશે. ભાજપ શાસનમાં ખેડૂતોમાં આક્રોશ છે. સત્તાના ચાર વર્ષ પૂરા થયા છતાં ખેડૂતો માટે કોઇ યોજના નથી. ભાજપે ખાનગી કંપનીઓને ફાયદો કરવા માટે વિમા ઉતરાવ્યા છે. ખેડૂતના દેવા ચૂકવવા માટે સરકાર પાસે પૈસા નથી. ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો કોંગ્રેસ 10મી તારીખે ‘જેલ ભરો’ કાર્યક્રમમાં આપશે.