સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (18:01 IST)

આરટીઈ અંગે શાળાઓની મનમાની સામે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું હલ્લાબોલ

અમદાવાદની ઉદગમ સ્કૂલની મનમાની સામે યુવા નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે હલ્લાબોલ કરતાં અંતે શાળા સંચાલકો ઝૂકી ગયા હતા. તેમજ શહેરની અન્ય શાળાઓ પણ આર.ટી.ઈમાં પ્રવેશ ન આપતી હોવાના મામલે હાર્દિક અને અલ્પેશ ઠાકોર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશની અવગણના કરવામાં આવી હતી. જેની સામે આજે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરે ઉદગમ સ્કૂલ પાસે શાળા સંચાલકોને પ્રવેશ આપવા માટે દબાણ કર્યું હતું, પરિણામે સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની બાહેંધરી આપી હતી. ઉદગમ સ્કૂલની જેમ શહેરની અન્ય પણ રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ આપવાની ગરીબ બાળકોને ના પાડી દીધી હોવાની વિગતો યુવા નેતાઓ પાસે આવી હતી. જેને લઈને અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂઆત કરી હતી કે, બે વાગ્યા સુધીમાં RTE પ્રવેશનો મામલો ઉકેલવામાં આવશે નહીં તો તાળાબંધી કરવામાં આવશે.રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતી તથા આડેધડ ફી લેતી શાળાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સદંતર નિષ્ફળ ગયા છે. જેના કારણે શાળા સંચાલકો બેફામ બની ગયા છે અને શાળા સંચાલકો રાજ્ય સરકારને પણ ગાંઠતા નથી. જેને લઇને અમે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છીએ.જ્યારે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે આ અંગે સરકારને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે, ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સરકાર પાસે કોઈ રસ્તો લાગતો નથી. લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓના સંચાલકો માફિયા બની ગયા છે અને સરકાર તેમની પાસે ઝૂકી ગઈ છે. જેના કારણે ગુજરાતમાં હાલ શિક્ષણ સરકાર પાસે નહીં, પરંતુ સંચાલકોના કબજામાં આવી ગયું છે, જે ઘણી ગંભીર બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કબૂલ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ થયેલી પ્રવેશ કાર્યવાહીમાં ક્યાંક ગોટાળો ઉભો થયો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરટીઈ એક્ટ હેઠળ 10 ટકા વિદ્યાર્થીઓના પ્રવેશનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવશે.