સોમવાર, 4 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (15:43 IST)

14મી એપ્રિલે રાજકીય ઘર્ષણના એંધાણ, ચાંપતો બંદોબસ્ત કરવા પોલીસની તૈયારી

એટ્રોસિટી એક્ટમાં સુધાર કરવા મોદી સરકાર વટહુકમ નહી લાવે તો, 14મી એપ્રિલે ભાજપના એકપણ નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા દેવામાં આવશે નહીં તેવી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે. આ તરફ, ભાજપના સાંસદ-ધારાસભ્યોએ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા કોઇ અટકાવી શકશે નહીં તેવો દાવો કર્યો છે. આ કારણોસર ૧૪મીએ રાજકીય ઘર્ષણ થવાના એંધાણ વર્તાઇ રહયાં છે. ૨જીએ એપ્રિલે ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના મામલે દલિતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી પરિણામે સરકાર પર માછલાં ધોવાયા હતાં. ૧૪મી એપ્રિલે   આ ઘટનાનુ પુનરાવર્તન થાય તેવી દહેશત છે.

ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકોનો દોર શરૃ થયો છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર જારી રહીને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીને ૧૪મી એપ્રિલે હેડકવાર્ટસ ન છોડવા ફરમાન કર્યુ છે. આ ઉપરાંત રજાઓ પણ રદ કરવા જણાવી દેવાયુ છે. રાજકીય ઘર્ષણ ટાળવા પોલીસ દલિત આગેવાનોના પણ સંપર્કમાં છે. ૨જી એપ્રિલની જેમ ૧૪મીએ પણ દલિતો રસ્તા પર ન ઉતરી પડે તે માટે પોલીસ અત્યારથી જ મથામણ કરી રહી છે. એક તરફ, દલિત સંગઠનોએ પણ આંબેકર જન્મજયંતિ ઉજવવા વિવિધ કાર્યક્રમો ઘડયા છે. દલિત ભીમસેનાએ અમદાવાદમાં ૧૪મી કિમી લાંબી ભીમયાત્રા કાઢવા આયોજન ઘડયુ છે.ભાજપે આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ કરવા કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો છે. કોંગ્રેસી નેતાઓએ પણ આ દિવસે ડૉ.બાબાસાહેબને ફુલહાર કરવા નક્કી કર્યુ છે. અમદાવાદમાં સારંગપુરમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ કરી દીધી છે.પોલીસે અમદાવાદ સહિત રાજ્યમાં આંબેડકરની પ્રતિમાની આસપાસ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવા સૂચનાઓ આપી દીધી છે. આ દિવસે દલિતો અને ભાજપના કાર્યકરો ભીડી જાય તેવી શંકા પ્રવર્તી રહી છે. આમ,દલિતોની સહાનુભૂતિ જીતવાની ગુજરાતમાં રાજનીતિનો પ્રારંભ થયો છે પરિમાણે આખોય માહોલ ગરમાયો છે.