અમદાવાદમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાસવાદી મુજીબની જુહાપુરામાં દફનવિધિ કરાઈ
ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયેલા આઠ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઠાર મરાયેલા ત્રાસવાદીઓમાંથી એક 2008માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો આરોપી મુજીબ શેખ પણ હતો. તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હતો. સોમવારે રાત્રે તેનો મૃતદેહ દફનવિધિ માટે જુહાપુરા લવાયો હતો. જ્યારે મંગળવારે સવારે તેને જુહાપુરા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપી મુજીબ શેખની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં મુજીબ અને ક્યામુદ્દીન કાપડિયાએ ભેગા મળી અમદાવાદ બ્લાસ્ટના થોડા દિવસ પહેલા જ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી બ્લાસ્ટ કરવાની સામગ્રી ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત બન્ને આરોપીઓ સહિત ૭૦ જેટલા ત્રાસવાદીઓએ હાલોલ, પાવાગઢમાં ટ્રેનિંગ કેમ્પ યોજયો હતો. જેમાં બ્લાસ્ટ કરવા મામલે પ્લાન બનાવામાં આવ્યો હોવાની વિગત પણ રિમાન્ડ દરમિયાન બહાર આવી હતી. અમદાવાદ બ્લાસ્ટ કર્યા બાદ આરોપી મુજીબ અન્ય આરોપીઓને મળ્યો હતો. ત્યાર બાદ તેણે મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, ઉત્તપ્રદેશમાં આશ્રય મેળવ્યો હતો. ત્યાર બાદ તેણે ફાયર આર્મ્સ સહિત પ્રાણઘાતક હથિયારો ખરીધ્યા હતા એમણે લૂંટ-ધાડ જેવા ગંભીર ગુના આચર્યા હોવાની વિગતો સામે આવી હતી