શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (14:08 IST)

69 વર્ષ બાદ ગીરના ઝાંખિયા ગામમાં વીજ પુરવઠો પહોંચશે

આઝાદીનાં 69 વર્ષ પછી ગીર અભયારણ્ય નજીક આવેલા ઝાંખિયા ગામના લોકોને હવે વીજળી મળવા જઈ રહી છે. જોકે એ પણ હાઈ કોર્ટના આદેશને કારણે શક્ય બન્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા આ ગામના લોકોને રહેણાક તથા ખેતીના હેતુથી વીજ પુરવઠો મળી રહે તે માટેની યોજનાની તમામ પ્રક્રિયા પૂરી કરવા હાઈ કોર્ટે સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો. વન વિસ્તારમાં પોતાની જરૂરિયાતની સગવડોની સલામતી માટે ગ્રામજનોએ 10 વર્ષ સુધી સતત લડવું પડ્યું છે.  દસ વર્ષ પહેલાં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, તેણે રાજ્યમાં જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત 100 ટકા વીજળી પૂરી પાડી છે. પશ્ચિમ ગીર વિસ્તારમાં આવતાં નવ ગામમાં ઝાંખિયાનો પણ સમાવેશ થાય છે, જેને વીજ પુરવઠો મેળવવા માટે સખત પ્રયાસો કરવા પડ્યા છે. 2014માં આ ગામના પાંચ લોકોએ વીજ અધિકાર માટે હાઈ કોર્ટની શરણ લીધી હતી. દરમિયાન, હાઈ કોર્ટે નોંધ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. ત્યાર બાદ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મળવાની પ્રક્રિયા ઝડપી બની હતી. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફની સ્થાયી સમિતિએ ગત માર્ચમાં ગામને 11 કેવી ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન નાખવાની મંજૂરી આપી હતી.