બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (14:51 IST)

અમદાવાદને મળેલી 5 સ્પીડગનમાંથી ત્રણ ખોટકાઈ ગઈ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વાહનની સ્પીડ બાબતે જાહેરનામું બહાર પાડી અને સ્પીડ લિમિટ નક્કી કરી છે. સ્પીડ લિમિટ નક્કી કરવા શહેર પોલીસે 2014માં અમેરિકન ટેક્નોલોજીની સ્પીડ ગન વસાવી હતી. જો કે પોલીસ પાસે માત્ર 5 જેટલી જ સ્પીડગન જ છે. તેમાંથી માત્ર એકાદ બે સ્પીડ ગન ચાલુ છે. હવે બંધ હાલતમાં સ્પીડ ગનથી કેવી રીતે કામગીરી કરવામાં આવશે તેના પર સવાલ છે. આજે ટ્રાફિક પોલીસે એસજી હાઈવે પર આ સ્પીડ લિમિટ ચેક કરવા માટે સ્પીડ ગન દ્વારા તપાસ કરી અને ડ્રાઈવ કરી હતી. જો કે જાહેરનામાના અમલના પહેલા દિવસે જ સ્પીડ ગનમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યા હતા. શહેર પોલીસ પાસે 5 સ્પીડ ગન છે.

ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના અકસ્માત માત્ર ઓવરસ્પીડના કારણે થતા હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડ ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને કડક કાર્યવાહી કરવા માટે રૂ.3.90 કરોડના ખર્ચે US બનાવટની અદ્યતન ટેક્નોલોજી આધારિત 39 સ્પીડગન રાજ્ય સરકારે ખરીદી છે. જેમાંથી 5 સ્પીડગન અમદાવાદને ફાળવવામાં આવી છે.
રૂ. 10 લાખની કિંમતની અદ્યતન ટેક્નોલોજી ધરાવતી સ્પીડગન એક હાઈટેક સ્પીડગન છે. જે એક સેકન્ડમાં 3 વાહનોની એક કિલોમીટર દૂરથી જ સ્પીડ માપી શકે છે. આ સ્પીડગનની રેન્જ ૦ થી 320 કિમી પ્રતિકલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે. ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહે છે, જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઊભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહે છે.