બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 માર્ચ 2018 (11:34 IST)

Board Exam - દાહોદમાં 10મા ધોરણનું ગુજરાતીનું પેપર લીક થયું

દાહોદ શહેરમાં મદ્રેસા મહોમ્મદિયાહ એન્ડ પંજતનિયાહ સોસાયટી સંચાલિત એમ એન્ડ પી હાઇસ્કુલમાં ઝેરોક્ષ કરી પેપર લીક કરવાનું સોમવારે કૌભાંડ પકડાયું હતું. રૂમને બહારથી તાળુ મારેલું છે અને અંદર વ્યક્તિઓ ઝેરોક્ષ કરી રહ્યા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર જે.રંજિથકુમારને મળી હતી. કલેક્ટરની સુચના પ્રમાણે મામલતદાર બી.એન પટેલે છાપો માર્યો તે વખતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઇ ગઇ હતી. તપાસ બાદ પ્રાથમિક વિભાગના બે રૂમ બંધ હોવાથી કેન્દ્ર સંચાલકોને તે ખોલવાની સુચના અપાઇ હતી. ચાવી આવ્યા બાદ પ્રાથમિક વિભાગના બંને રૂમ ખોલાતાં કંઇ જ શંકાસ્પદ મળ્યું ન હતું. દરમિયાન શિક્ષણાધિકારી બી.એમ નીનામાની સુચનાથી સરકારી પ્રતિનિધિ એલ.જી ડાંગી પણ શાળા ખાતે ધસી આવ્યા હતાં. બાતમી આપનારે રૂમની ખુલ્લી બારીનો ફોટો કલેક્ટરને સેન્ડ કર્યો હોવાથી ઉચ્ચતર વિભાગના આચાર્યની ઓફીસ વાળી બિલ્ડીંગમાં તપાસ કરાઇ હતી.તેની ગેલેરીમાં બાઝેલી ધુળમાં પડેલા તાજા પગલાં જોઇને કંઇક રંધાયુ હોવાની શંકા દ્રઢ થતાં તેની પણ ચાવીઓ મંગાવાઇ હતી. ચાવીઓ લેવા ગયેલા આચાર્ય ડી.કે પટેલ મોડે સુધી પરત વળ્યા ન હતાં. દરમિયાનમાં મામલતદાર ઉપર સેક્રેટરી નજમુદ્દીન ગાંગરડીવાલાનો ફોન આવતાં તેઓ બહાર હોવાનું અને બીજા દિવસે ચાવી મળશે તેવું જણાવ્યું હતું.

મામલતદાર પટેલે આ મામલે કલેક્ટર જે.રંજિથકુમારનું ધ્યાન દોરતાં તેમને તાળુ તોડીને તપાસ કરવાની સુચના આપી હતી. સેક્રેટરી નજમુદ્દીનને તાળુ તોડવાની વાત કરવા તેમણે બે કલાકમાં ચાવી મોકલાવાનું જણાવ્યુ હતું. રાહ જોયા છતાં ચાવી નહીં આવતાં અંતે તાળુ તોડવાનો નિર્ણય લઇ લેવાતાં અંતે ચાલક સાથે ચાવીઓ તો મોકલી હતી પરંતુ શંકા વાળા રૂમની જ ચાવી તેમાં નહોતી. જેથી અંતે તાળુ તોડવામાં આવતાં રૂમમાંથી ઝેરોક્ષ મશીન, સોલ્વ કરેલા પેપરના ટુકડા, દસમા ધોરણની ચોપડી, તાજુ ગુલાબનું ફુલ,માઇક્રો ઝેરોક્ષ કરવા ફાડેલા કાગળ મળ્યા હતાં. અન્ય કોઈ હોંશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવા ચેડાં ના થાય તે હેતુથી શાળા ખાતે જ આવું કૌભાંડ સર્જાતા જે તે લોકો સામે કોઈ શેહશરમ વગર આકરા પગલા ભરવા અનેક વાલીઓએ લાગણી  વ્યક્ત કરી હતી. ત્યારે આ કૌભાંડ કયા ખાસ વિદ્યાર્થીઓ માટે આચરાયું હતું તે તપાસનો વિષય બન્યો છે.મામલતદાર કચેરીના કર્મચારીઓએ ઝેરોક્ષ મશીનને ચેક કરતાં સેમસંગ કંપનીના આ મશીનમાંથી અત્યાર સુધી 2228 ઝેરોક્ષ કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. નવા લાગતાં સ્વચ્છ મશીનનું ખોખુ પણ રૂમમાં પડેલું જોવા મળ્યું હતું.