બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જુલાઈ 2020 (11:21 IST)

દ્વારકામાં 100 વર્ષનો રેકોર્ડ તૂટતા નદી જેવા દ્રશ્યો

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : ખંભાળીયામાં ૧૯ ઈંચ, કલ્યાણપુરમાં ૧૪ ઈંચ, દ્વારકા, રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ


રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સોમવારે સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડતા જનજીવન ઉપર અસર પડી હતી. મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે તો કેટલાક ડમ છલકાયા છે. મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે.

ગીરસોમનાથના જામવાળા સીંગોડા ડેમ પર છેલ્લા ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડ્યો છે. કોડીનારના મઠ ગામેથી પસાર થતી સોમેત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ પાણી સીધુ દ્વારકાના દરિયામાં પાણી જઇ રહ્યું છે.  સુત્રાપાડા અને ગીરના ગામોમાંથી આ નદી પસાર થાય છે. આ નદી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન છે. રાવલ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ ડેમનું પાણી શહેરીજનો માટે પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ જૂનાગઢનો સૌથી મોટો ડિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થયો છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૮૭ મી.મી. એટલે કે ૧૯ ઈચ,  કલાયણપુરમાં ૩૫૫ મી.મી. એટલે કે ૧૪ ઈચ, દ્વારકામાં ૨૭૨ મી.મી. અને પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૨૭૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૧૧ ઈચ જેટલો અને પોરબંદર તાલુકામાં ૨૬૯ મી.મી. એટલે કે ૧૦ ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 13 ઈંચ વરસાદ પડતાં જુલાઈ માસમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. દ્વારકામાં અત્યાર સુધીમાં જુલાઈ માસમાં વર્ષ 1933ની 17મીએ સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૬/૭/૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન કુતિયાણા તાલુકામાં ૨૦૯ મી.મી., વિસાવદરમાં ૨૦૧ મી.મી. અને મેંદરડામાં ૧૯૫ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં આઠ ઈંચ જેટલો, કેશોદમાં ૧૭૮ મી.મી., સુત્રાપાડમાં ૧૭૮ મી.મી., ભાણવડમાં ૧૭૪ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં સાત ઈંચ જેટલો, ટંકારામાં ૧૫૭ મી.મી., માણાવદરમાં ૧૫૪ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઈંચ અને વંથલીમાં ૧૨૩ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત ખાંભામાં ૯૭ મી.મી., વલસાડમાં ૯૦ મી.મી., કપરાડામાં ૮૯ મી.મી., ધ્રોલ અને માંગરોળમાં ૮૭ મી.મી., વેરાવળમાં ૮૬ મી.મી., લોધીકા ૮૫ મી.મી., ગીર ગઢડા અને ઉના ૮૪ મી.મી., ગણદેવી ૮૩ મી.મી., માળીય ૭૯ મી.મી., ચોર્યાસીમાં ૭૮ મી.મી., બગસરા ૭૬ મી.મી., લાલપુર, કોડિનાર અને મહુવામાં ૭૫ મી.મી., જામકંડોરણા અને ઉપલેટામાં ૭૨ મી.મી., તથા ધારીમાં ૭૧ મી.મી. મળી કુલ ૨૦ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ઉમરગામ તાલુકામાં ૭૦ મી.મી., વાંકાનેર અને ગઢડામાં ૬૯ મી.મી., માંડવી અને અમરેલીમાં ૬૭ મી.મી., ગોંડલ, રાજુલા અને સુરત શહેરમાં ૬૩ મી.મી., જેતપુરમાં ૬૨ મી.મી., ભીલોડામાં ૬૦ મી.મી., લાઠીમાં ૫૯ મી.મી., સાવરકુંડલા અને પલસાણામાં ૫૮ મી.મી., સાયલા અને વાડિયામાં ૫૪ મી.મી., કોટડા સાંગાણી અને ડોલવણમાં ૫૩ મી.મી., જાફરાબાદમાં ૫૨ મી.મી., ખેરગામમાં ૫૧ મી.મી., ચુડામાં ૫૦ મી.મી., તથા બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૨૬ તાલુકાઓમાં એક ઈંચથી વધુ જ્યારે અન્ય ૨૧ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.