અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જ શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની ઓફર આપી
વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે ડ્રગ્સના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ ગૃહમાં સૂચન કર્યું હતું. ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા વિનંતી કરી હતી. જે બાદ વિપક્ષે હોબાળો કર્યો હતો અને મેવાણીએ વિરોધ નોંધાવતાં વિધાનસભાના નિયમ 51 પ્રમાણે જિજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતાં.રમણલાલ વોરાએ ગૃહમાં કહ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધાં કામ કરે છે. કોંગ્રેસના પણ અનેક દલિત સમાજના નેતા છે જે આ રીતે કરતા નથી.
જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા છે
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કહ્યું હતું કે, ગૃહમંત્રીની 116 નોટિસ આધીન ચર્ચા લાઈવ થવી જોઈએ અને સ્કોપ પણ આપ્યો કે ડ્રગ્સ બાબતે બદનામ થતા ગુજરાત અંગે ચર્ચા થાય.યુવાધનને બદનામ નથી કરતા પણ બરબાદ થતું અટકાવવા માટે આ ચર્ચા જરૂરી છે. જિજ્ઞેશ મેવાણીની બાબતમાં જે આગેવાનોએ ચર્ચા કરી એમાં કહું કે, જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા છે પણ બંધારણનું પાલન નથી કરતાં એ કહેનારા આપણે કોણ? જે બનાવ બન્યા છે એને ન્યાય મળે એ બંધારણમાં જ આવે છે.પ્રજા વચ્ચેની અને ન્યાયની વાત કરે છે એ ખટકે છે માટે જિજ્ઞેશ મેવાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુટ્યો
વિશેષ કોર્ટ બિલની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાએ પોતાના વક્તવ્ય દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને કહ્યું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુટ્યો. પહેલા તમારૂ ને મારું કશું ચાલતું ન હતું અને હજુ પણ તમારું ચાલતું નથી. તમે પણ આ તરફ આવતા રહો. ત્યાં પરસેવાની કિંમત નથી, ઉપરથી આવે એ જ કરવું પડે છે. ગૃહમાં બોલી રહેલા અર્જુન મોઢવાડિયાને ટકોર કરતા શૈલેષ પરમારે પૂછ્યું હતું કે, આ રંગા બિલ્લા કોણ હતા? અર્જુન મોઢવાડિયાએ કહ્યું, તમારા હાલના અને મારા પૂર્વ નેતાઓ કોણ શું કરે છે? એ તમને ને મને બધાને ખબર જ છે.