રાજકોટમાં નાના મવા રોડ પર આપેલા ટીઆરપી મોલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ મોલના ગેમ ઝોનમાં આગ લાગી હતી. રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 24 મૃત્યુની પુષ્ટિ કરી છે. આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગીએ જણાવ્યું છે.
આગની ઘટના સામે આવતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, ફાયર ઓફિસર આઈવી ખેરે કહ્યું, “આ આગ પાછળનું કારણ હજી જાણી નથી શક્યા. અત્યારે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમને હાલમાં કોઈ ખોવાયેલી વ્યક્તિનો સંદેશ મળ્યો નથી. આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. કારણ કે જે ટેમ્પરરી સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે અને પવનની ગતિ પણ વધારે છે.”
બીબીસીના સહયોગી બિપીન ટંકારિયાએ આપેલી વિગતો અનુસાર આ આગના ધુમાડા પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેટલી વિકરાળ આગ હતી. તેમણે જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોનમાં બહાર જવાનો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા.
બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર, મોલના ગેમઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં શોર્ટ-સર્કિટની ઘટના બનવાથી આગ લાગી હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
રાજકોટના જીલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ બીબીસી સહયોગી બિપિન ટંકારીયાને જણાવ્યું, "સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં કરવામાં આવી છે."
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી વિગતોમાં 20 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમણે એએનઆઈને જણાવ્યું હતું કે, "અત્યાર સુધી 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી આ ગેમઝોનના માલિક છે. અમે આ મામલે મૃત્યુ અને બેદરકારી બાબતે ગુનો દાખલ કરીશું. અમે બચાવ કામગીરી પૂર્ણ થાય તે પછી આગળની તપાસ હાથ ધરીશું."
પોલીસ કમિશનરે બીબીસી સહયોગી બિપિન ટંકારીયાને જણાવ્યું, "આ ખૂબ જ દુખદ ઘટના છે. અમે અંદર જઈને આખા વિસ્તારનું નિરીક્ષણ કરીશું. અમે એફએસએલની ટીમને પણ બોલાવી છે. એફએસએલની ટીમ આવીને તેનું નિરીક્ષણ કરે અને આગ લાગવા પાછળનું ચોક્ક્સ કારણ જાણવાની કોશિશ કરીશું.”
તેમણે વધુમાં જણાવ્યું, “અમે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે પણ ચર્ચા કરી છે. ત્યાં પણ ટીમો તૈયાર રાખવામા આવી છે. આ ટીમો સારવાર, ડીએનએ ટેસ્ટિંગ અને મૃતદેહોનાં પોસ્ટમોર્ટમની કામગીરી હાલમાં કરી રહી છે.”
નેતાઓએ શું કહ્યું?
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટમાં જાણકારી આપી છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું, “હાલ હું પંજાબ છું, રાજકોટથી સમાચાર મળ્યા છે કે કાલાવાડ રોડ ગેમઝોનમાં આગ લાગવાને કારણે દુખદ દુર્ઘટના સર્જાઈ છે. નાનાં બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓનાં દુખદ અવસાનના સમાચાર મળેલ છે. ખૂબ દુઃખ થયુ છે. ઇશ્વર સૌને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આગમાં ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી અને સંવેદના વ્યક્ત કરુ છું.”