રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2024 (15:24 IST)

રાજકોટમાં બ્રિજ પર કારચાલકે બાઇકને અડફેટે લેતાં આધેડનું ઘટનાસ્થળે જ મોત

car
રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ, પરંતુ કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

આ દરમિયાન આગળ બ્રિજથી નીચે ઊતરતાની સાથે જ તેની કાર વીજપોલ સાથે અથડાઈ હતી. જે બાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસે કારમાં સવાર બન્ને શખ્સોની અટકાયત કરી મૃતકનાં પરિવારજનોની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. મૃતક કિરીટભાઈ નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મિત્ર સાથે ચા પી છુટા પડી ઘરે જતા હતા. દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાતા તેઓ ઘરે પહોંચી શક્યા ન હતા અને તેઓ મોતને ભેટ્યા હતા. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક ઓવરબ્રિજ ખાતે આજે વહેલી સવારના 4થી 4.30 વાગ્યાના અરસામાં એક કાર નંબર જીજે.03.એલએમ.1990 પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી શીતલપાર્ક ચોક નજીક આગળ વધી રહી હતી. દરમિયાન બ્રિજની ઉપર મધ્યમાં જ તેમણે અકસ્માત સર્જી બાઈકને અડફેટે લીધું હતું. જેમાં પોતાનો કામધંધો પૂર્ણ કરી ઘરે જતા કિરીટભાઇ પોંદા બાઈક પરથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કારચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ બ્રિજ ઊતરતાની સાથે શીતલ પાર્ક ચોક પહેલાં ડાબી તરફ ધ સ્પાયર-2 બિલ્ડિંગ પાસે કાર વીજપોલ સાથે અથડાઈ હતી.બનાવ અંગે જાણ થતા પોલીસે તુરંત ઘટનાસ્થળ પર પહોંચી મૃતકનાં પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે કારચાલક અનંત મહેન્દ્રભાઈ ગજ્જર અને તેની સાથે કારમાં સવાર દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયની અટકાયત કરી તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કારચાલક પીધેલો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા કારચાલકનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. તેમાં જો નશાની હાલતમાં જણાશે તો પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવશે.