રાજકીય રીતે એક્ટિવ ના રહીએ તો સમાજના કામ ના થાયઃ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસને અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્ત્વપૂર્ણ બેઠક છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.
રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થઈ રહ્યું છે
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે. જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી.જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ.
સરદાર પટેલ કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખો
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું હતું કે, ઘરની વાત ઘરમાં રાખવી. આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેષ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ. રાજ્યભરમાં ખોડલધામ સાથે જોડાયેલા લોકોમાં 500થી ઉપર તો કન્વીનરો છે. જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે ઘણા આગેવાનો છે જેઓ રાજકીય અને સામાજિક રીતે કામ કરી રહ્યા છે.