રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - 100 દિવસમાં સરકારી ભરતીનુ આયોજન, શિક્ષિત યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવાશે

cm bhupendra
Last Modified બુધવાર, 13 ઑક્ટોબર 2021 (17:26 IST)
ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયા નિર્ણય મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ નિર્ણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારનાં પગલાં વધુ બળવત્તર બનશે


આ પણ વાંચો :