ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (12:11 IST)

અમરેલીમાં બળદગાડામાં વરરાજાની જાન નીકળી,અમદાવાદમાં જાનમાં બહેને બૂલેટ ચલાવ્યું અને વરરાજાએ સવારી કરી

વર્ષો પહેલા લગ્નપ્રસંગે જાન ગાડામાં સવાર થઈને જ નીકળતી. પરંતુ, વાહનોના આગમન બાદ ધીમે ધીમે બળદગાડાની પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકોએ બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા મોટી ઉમરના લોકોને ભૂતકાળની યાદો તાજી થઈ હતી. લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે.

પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.મિનિ ટ્રેકટર આવી જતા ગામડાઓમાં આજકાલ મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા.ડોબરિયા પરિવારનું મૂળ ગામ દિતલા છે ત્યાંથી કન્યાપક્ષનું નેસડી ગામ 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે.

જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ આ અંતર કાપ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં પણ જાન લઈ જવાની અનોખી રીત જોવા મળી હતી. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ગોરના કૂવા વિસ્તારમા આવેલા ગોરના કુવા સ્થિત એક પાર્ટી પ્લોટમાં એક અનોખી રીતે જાન પહોંચી હતી. બહેને બૂલેટ ચલાવ્યું હતું અને પાછળ વરરાજા ભાઈ બેઠો હતો. બેન્ડ બાજા સાથે નીકળેલી બારાત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.મણિનગર વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં એક લગ્ન યોજાયા હતા. જેમાં શ્વેતા નામની યુવતીએ લગ્ન કરવા જઈ રહેલા તેના ભાઈ એવા વરરાજાને લગ્ન કરવા અનોખી રીતે લઈ ગઈ હતી. પોતે બૂલેટ હંકાર્યું હતું અને તેની પાછળ વરરાજા ભાઈ બેઠો હતો. બેન્ડ બાજા સાથે અનોખી રીતે જાન પાર્ટી પ્લોટ પર હતી. જાનૈયાઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. જાનૈયા નાચી રહ્યા હતા. દરમિયાન પરિવારજનોના આનંદનો પાર ન હતો. બહેન બૂલેટ પર વરરાજા ભાઈને લઈને પાર્ટી પ્લોટ પહોંચી ત્યારે કન્યા પક્ષના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.