ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (13:23 IST)

ઉત્તર ગુજરાતના ધાનેરામાં પરિવારનું દુઃખ દુર કરવા પાંચ ભુવાઓએ ચાંદી સહિત આટલા લાખ પડાવ્યા

આજના આધુનિક યુગમાં હજી લોકો અંઘશ્રદ્ધા પર વિશ્વાસ કરી રહ્યાં છે. જેના કારણે જુની કહેવત સાચી ઠરી છે. લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. આવું જ કંઈક ઉત્તર ગુજરાતના ધાનેરામાં થયું છે. પાંચ ભુવાઓએ ભેગા મળીએ એક પરિવારનું દુઃખ દુર કરવા માટે લાખો રૂપિયાની માંગ કરી હતી. તેમણે એક જ પરિવારના બે ભાઈઓને દુઃખ દુર કરવાની લાલચ આપીને 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદી પડાવી લીધી હતી. આ ભૂવાઓએ પરિવારના સભ્યોને કહ્યું હતું કે, 80 વર્ષ અગાઉ તમારા ઘરે કોઈએ માતા મૂકી છે જેથી તમારે ચેહર માતાની બાધા રાખવી પડશે. જેથી પરિવાર ભૂવાઓની વાતમાં આવી ગયો હતો. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધાનેરા અને થરાદના પાંચ ભૂવાઓએ ગોલા ગામના બે ભાઈઓને દુઃખ દૂર કરવા બાધા આપી હતી. આ બાધાથી પરિવારમાં થોડેક અંશે રાહત થઈ હતી જેથી પરિવારને ભૂવાઓમાં વિશ્વાસ બેઠો હતો. પરંતુ આ લંપટ ભૂવાઓએ પહેલેથી જ લાલચ આપીને ભાઈઓને પોતાની તરફ કરી લીધા હતાં. આ ભૂવાઓએ બંને ભાઈઓને કહ્યું હતું કે, દુઃખ દુર કરવા એક કરોડ સુધીનો ખર્ચ થશે. બસ આટલું કહીને તેમણે બંને ભાઈઓ પાસેથી 1.70 લાખની ચાંદી અને 35 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતાં. આ તમામ બાબતની વીડિયો ગ્રાફી થતી હતી. 
 
થોડા સમય રહીને બંને ભાઈઓને એમ થયુ હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી વિધિ દરમિયાન કરેલી વીડિયો ગ્રાફી લઈને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. તેમણે આ વીડિયો પોલીસને આપી તેમની સાથે છેતરપિંડી કરનારા પાંચેય ભૂવાઓને પકડી પાડવા અરજી આપી હતી. પોલીસે વીડિયો જોઈને સમગ્ર ઘટનામાં આરોપીઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત તેમની પાસેથી ચાંદી અને રૂપિયા પરત મેળવવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાં છે.