સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (17:35 IST)

નેત્રંગમાં યુવક હાજતે ગયો અને અચાનક પૂર આવ્યું, જીવ બચાવવા ઝાડ પર લટક્યો

drowned
ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરતના ઉમરપાડામાં બે કલાકમાં જ 10 ઈંચ બાદ દિવસભરમાં 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરાવતી નદીમાં ઘોડાપૂર વચ્ચે એક યુવક ફસાયો હતો. જેથી જીવ બચાવવા અડધો કલાક સુધી ઝાડ પર લટક્યો હતો. જે બાદ તેનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 
 
યુવક જીવ બચાવવા તાડના ઝાડ ઉપર ચડી ગયો
નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામનો યુવાન કુદરતી હાજતે ગયો હતો, જેને અમરાવતી નદીમાં ઘોડાપૂર આવતા આ યુવાન ફસાઈ ગયો હતો. જેથી યુવાન જીવ બચાવવા માટે તાડના ઝાડ ઉપર ચડી ગયો હતો. જીવ બચાવવા યુવાન અડધો કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી યુવાનને બચાવી લેવાયો હતો. કોયલી માંડવીથી જાંબુડા જતા માર્ગ પર એક બાઈક ચાલક ફસાયો હતો. માર્ગ પરથી પસાર થવા જતા યુવક બાઈક સાથે ફસાઈ ગયો હતો. જેથી સ્થાનિકોની મદદથી યુવકને બચાવી લેવાયો હતો.
 
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યાં અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટન ડીસ્ટેન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા વડોદરા પંચમહાલ સહિતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર વરસી રહી છે.હવામાન વિભાગ દ્વારા આજથી 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.