રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (13:21 IST)

Family Suicide - સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી,પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો

In Surat, jeweler took poison with his family
surat news

સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત નીપજ્યું છે. હાલ પુત્રએ પણ દમ તોડી દેતા એક જ પરિવારમાં ત્રણ સભ્યના મોત નીપજ્યા છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે. પુત્ર હાલમાં જ ધો.12માં પાસ થયો હતો. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે.

સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે પુત્ર ક્રિશે પણ દમ તોડી દીધો છે. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.ACP પી.કે. પટેલે જણાવ્યું હતું કે, મોરડિયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેની સાર સંભાળ રાખજો. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી બે સંતાનો હાલ ઘરે છે. જ્યારે આ સામૂહિક આપઘાત અને આપઘાતના પ્રયાસમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે.વધુમાં જણાવ્યું હતું કે, સારવાર હેઠળ રહેલા વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે તે પહેલા એક સુસાઈડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આ આખરી રસ્તો નથી. હું સારો પિતાના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.