રેમડેસિવિર ઈન્જેક્શનનું કાળા બજાર કરતો આરોપી જય શાહ પકડાયો, સુરતના ડો. મિલન સુતરિયા અને અમદાવાદની રુહી વોન્ટેડ
ગુજરાતમાં કોરોના મહામારીમાં દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે કાળા બજારી કરતા તક સાધુઓ વધી ગયાં છે. માનવતાને નેવે મુકીને તેઓ મજબુર લોકો પાસેથી ઉંચી કિંમત વસુલી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું કાળા બજાર કરતો આરોપી જય પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પરંતુ તેને ઈન્જેક્શન સપ્લાય કરનાર સુરતના ડો. મિલન સુતરિયા અને અમદાવાદના જુહાપુરાની રૂહી નામની મહિલા હાલમાં વોન્ટેડ છે.
આરોપી જયને અમદાવાદ ઝોન 1 ના સ્ક્વોડે રેડ કરીને ઝડપી લીધો છે. પોલીસના હાથે ઝડપાઈ ગયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે ડો. મિલન સુતરિયા અને રૂહી પાસેથી 9 હજારમાં ઈન્જેક્શન ખરીદીને જરૂરિયાતમંદ દર્દીને 11 હજારમાં વેચતો હતો. આરોપી પાસેથી પોલીસે 6 ઈન્જેક્શનો પણ કબજે કર્યાં છે. શહેરના ઝોન 1 ડીસીપી રવિન્દ્ર પટેલની સ્ક્વોડને બાતમી મળી હતી કે એક શખસ ઇન્જેકશનનું વેચાણ કરે છે. તેઓને બાતમી મળી હતી કે એક્ટીવા પર એક શખ્સ ઈન્જેક્શનનો જથ્થો લઈને નીકળવાનો છે. જેથી તેઓ તેમની ટીમ સાથે ત્યાં વોચમાં ગોઠવાઈ ગયા હતા.
બાતમી આધારે એકટીવા લઈને જતો જય શાહ ત્યાં મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને રોકી તેની પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે તેની પાસે રહેલા એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેમાં વાદળી કલરના બુચ વાળા બે ઇજેક્શન ભરેલા હતા અને લાલ કલરના બૂચ વાળા બે ઇન્જેક્શન પ્રવાહી ભરેલા હતા તથા સફેદ કલરના બુચ વાળા બે ઇન્જેક્શન પાવડર ભરેલા હતા.આ જય શાહ પાસે આ ઇંજેક્શન રાખવાનું બિલ કે આધાર પુરાવા માગતાં તેની પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા. જેથી તેની અટકાયત કરી તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઇંજેક્શન તેણે સુરતના ડોક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે ઇન્જેક્શન 54 હજારમાં મંગાવ્યા હતા અને તેના પેમેન્ટ google pay અને બેંક ટ્રાન્સફર થી ચૂકવ્યા હતા. જે પૈકીના બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા અને સુરતના ડોક્ટર મિલન સુતરીયાએ આ ઇંજેક્શનનો જથ્થો આરોપીને કુરીયર મારફતે મોકલ્યો હતો. જ્યારે સફેદ બુચ વાળા ઇન્જેક્શન આરોપી જય એ જુહાપુરા અંબર ટાવર પાસે રહેતી રુહી પાસેથી કાળા બજારમાં વેચવા માટે 16 હજાર રૂપિયામાં લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ તમામ ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને એક્ટીવા સહિતનો 75 હજારનો મુદ્દામાલ કબજે કરી સુરતના ડોક્ટર મિલન સુતરીયા તથા રુહી નામની મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે.