મહેસાણાના કડીમાં જન્મદિવસ જ યુવકનો મરણદિવસ બન્યો, હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું
ગુજરાતમાં દિવસે ને દિવસે નાની ઉંમરના યુવકો તેમજ વ્યક્તિઓને હૃદય હુમલા આવવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં હૃદય હુમલાને કારણે મોત થવાની પણ ઘટનાઓ સામે આવી છે. એવી જ એક એક ઘટના કડી તાલુકાના કુંડાળ ગામમાં બની છે. યુવકના જન્મદિવસે જ યુવકને હાર્ટ-એટેક આવતાં તેનું મોત નીપજ્યું હતું. નાની ઉંમરમાં પુત્રનું મોત થતાં પરિવાર તેમજ સમગ્ર ગામની અંદર શોકની લાગણી છવાઈ ગઈ હતી.
કડીના કુંડાળ ગામના વતની ભગવતભાઈ સોમનાથ પટેલ તેમના 26 વર્ષની ઉંમરના કુંજ પટેલ નામના પુત્રનો જન્મદિવસ હોવાથી ઘરમાં અલગ ઉત્સાહ હતો. બધાં પરિવારજનોએ યુવકને જન્મદિવસની શુભકામનાઓ આપ્યા બાદ તે સવારે જન્મદિવસની ખુશીઓ સાથે કલોલ તાલુકાના ખાત્રજ સીમમાં આવેલી પ્રાઇવેટ કંપનીમાં નોકરી અર્થે ગયો. એ દરમિયાન કંપનીમાં કામ કરતાં કરતાં અચાનક જ તેને હાર્ટ-એટેક આવ્યો. કંપનીના કર્મચારીઓએ યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
કુંજ પટેલ નિત્યક્રમ પ્રમાણે સવારે ખાત્રજ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી અર્થે જતો હતો. જ્યારે આજે તેનો 26મો જન્મદિવસ હતો, જેથી તેના પિતા ભગવતભાઈ પટેલે ફેસબુક આઇડી પર પોતાના પુત્રનો ફોટો મૂકીને પુત્રને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પિતાને તો એ ખબર જ નહીં હોય કે આ શુભકામનાઓ અને પુત્રના જન્મદિવસની ખુશીઓ ગામમાં ફેવરાઇ જશે.બપોરના પોતાનો પુત્ર નોકરી પર હતો ત્યારે કુંજને એકાએક કામ કરતાં જ છાતીમાં દુખાવો ઉપાડતાં હાજર કર્મચારીઓ દ્વારા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાતાં કંપનીના કર્મચારીઓએ તેમના પરિવારને જાણ કરી હતી. અચાનક જ પોતાના પુત્રના મોતના સમાચાર આવતાં ખુશીઓનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો. એકાએક આશાસ્પદ યુવકનું હૃદય હુમલાના રોગથી મોત થતાં પરિવાર તેમજ ગામની અંદર શોકની લાગણી પ્રસરી ગઈ હતી.