ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2024 (15:17 IST)

પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ કરીને 25 લાખની ખંડણી માંગી

Kidnapped the assistant industrial commissioner
પાલનપુરમાં મદદનીશ ઊદ્યોગ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરના સેકટર-12માં રહેતા આર.કે.વસાવા ગઈકાલે બપોરના સમયે કામ અર્થે હિંમતનગર જઈ રહ્યા હતા. ત્યારે ગાંધીનગરના ગિયોડ પાસેથી અપહરણકારોએ અધિકારીની કારને આંતરીને તેમનું અપહરણ કર્યું હતું. અધિકારી પાસે 25 લાખની ખંડણી માગવામાં આવી હતી. જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નાકાબંધી કરી અપહરણકારોની શોધખોળ હાથ ધરી હતી. ગાંધીનગર સહિત અન્ય જિલ્લાની પોલીસે અપહત અધિકારી સાથેની કારને માણસા પાસેથી ઝડપી પાડી હતી. ભૂખો ભરવાડ અને રોહિત ઠાકોર નામના અપહરણકારોની અટકાયત કરવામાં આવી છે.રાયમલ ઠાકોર ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Kidnapped the assistant industrial commissioner
 
પોલીસની ટીમોએ ગાંધીનગરમાં નાકાબંધી કરી દીધી હતી
ગાંધીનગરના સેકટર 12 ખાતે રહેતા રમણભાઈ વસાવાપાલનપુરમાં મદદનીશ ઉદ્યોગ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જેઓ 30 જુનના રોજ રિટાયર્ડ થવાનાં હોવાથી ત્રણ દિવસની રજા પર હતા. ગઈકાલે બપોરનાં સમયે આર કે વસાવા પોતાની કાર લઈને કામ અર્થે હિઁમતનગર જવા માટે નિકળ્યા હતા. ત્યારે ગીયોડ હાઇવે રોડ પર ભૂખો ભરવાડ, રોહિત ઠાકોર અને રાયમલ ઠાકોર નામના શખ્સો દ્વારા ગાડીને આંતરી હતી. બાદમાં ધાક ધમકીઓ આપી અધિકારીનું અપહરણ કરી ભાગ્યા હતા. અપહરણનો બનાવ બન્યાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ એકશનમાં આવી હતી. ગાંધીનગર એલસીબી પીઆઈ ડી.બી.વાળા, એચ.પી.પરમાર, એસઓજી પોલીસ તેમજ ચીલોડા પીઆઈ એ. એસ. અસારી સહીતની ટીમોએ ગાંધીનગરમાં નાકાબંધી કરી દીધી હતી. બીજી તરફ હિંમતનગર પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી.
 
પોલીસે ઝડપી પાડેલા બે અપહરણકારોની પૂછપરછ શરૂ 
અપહરણકારો અધિકારીને લઈને વિજાપુર-માણસા તરફ ગયા હોવાની ટિપ્સ મળતા પોલીસ કાફલો એ તરફ રવાના થયો હતો. અપહરણકારોને શોધતા શોધતા પોલીસ તેની નજીક પહોંચી ગઈ હતી. પીઆઈ એચ.પી. પરમારે પૂરપાટ ઝડપે કાર હંકારીને અપહરણકારો રોકવાનો પ્રયાસ કરતા અપહરણકારોની કાર સાથે પીઆઈની કાર અથડાઈ હતી. પોલીસ કાફલાએ હિંમત બતાવી આરોપીઓની કારને કોર્ડન કરી લીધી હતી અને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા અને અધિકારીને તેઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. ક્લાસ વન અધિકારીને હેમખેમ છોડાવી પોલીસે ઝડપી પાડેલા બે અપહરણકારોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે એક શખ્સ ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.