1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 7 નવેમ્બર 2019 (10:35 IST)

પીએમ મોદીની નગરીમાં સર્જાયા ત્રણ રેકોર્ડ, ૩૦ મિનીટમાં ૧૫૦ તબલા વાદકો દ્વારા ૨૮ અલગ અલગ તાલ વગાડી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

વડનગર ખાતે તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. રાજ્ય સરકાર દ્વારા કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ થઇ રહ્યું છે. આ ઐતિહાસિક ભુમિ પર આજે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતા. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતા આ મહોત્સવમાં નાવીન્ય ઉમેરાયું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩થી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી છે. સંગીત સામ્રજ્ઞીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવે છે. 
તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા.જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૫ થી ૧૦  દિવ્યાંગ વિદ્યાર્થીઓએ જોડાયા હતા.
૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને રે કહીએ... રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી.
આ ઉપરાંત કલાગુરૂ શીતલબેન બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી દ્વારા તબલા વાદકો,વાસંળી વાદકો અને કલાગૂરૂ શીતલબેન બારોટનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.