ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (10:58 IST)

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની ટીમો દ્વારા ૩૩૫ સ્થળે રાજ્યવ્યાપી દરોડા

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ગાંધીનગર હસ્તકની ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યભરમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનાર સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૧૪ કરોડથી વધુ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે.
 
ગુજરાત રાજ્યમાં ખનીજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ બાબતે કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ગાંધીનગર હસ્તકની ફલાઇંગ સ્કવોર્ડ તેમજ જીલ્લા કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે અવારનવાર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જે અંતર્ગત આ ટીમો દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટબર-૨૦૧૯ એમ બે માસમાં રાજ્યભરમાં વિવિધ ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ જેટલા સ્ટોક ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. 
 
બે માસમાં આ ટીમો દ્વારા ઉત્તર ઝોનનાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં મળીને ૧૧૬ સ્ટોક ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત મધ્ય ઝોનના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મળીને ૭૫ સ્ટોક પર, દક્ષિણ ઝોનના છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં મળીને ૮૫ સ્ટોક ઉપર અને સૌરાષ્ટ્ર ઝોનના મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા મળીને કુલ ૫૯ સ્ટોક ઉપર આકસ્મિક તપાસ હાથ ધરીને રાજ્યના ૨૩ જિલ્લાઓમાં કુલ ૩૩૫ સ્ટોક ઉપર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 
 
દરોડા બાદ કરવામાં આવેલી તપાસ દરમિયાન જુદા જુદા સ્ટોકમાં સ્ટોક હોલ્ડર્સ દ્વારા રોયલ્ટી પાસ કરતાં વધુ અથવા ઓછો જથ્થો હોવો, રોયલ્ટી પાસમાં તાલુકા/જિલ્લાના સ્થળમાં ફેરફાર હોવા સહિતની અનિયમિતતાઓ જોવા મળી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનાં બિનઅધિકૃત સંગ્રહ બદલ ૩૩૫ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૧૪૫૦.૩૮ લાખ (રૂ.૧૧૪.૫૦ કરોડથી વધુ) રકમની દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે. 
 
જેમાં પાટણ જિલ્લામાં ૧૯ સ્ટોક હોલ્ડર્સને રૂ.૬૮.૧૮ કરોડ, બનાસકાંઠા જિલ્લામાં ૧૧ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૫.૫૯ કરોડ, ભરૂચ જિલ્લામાં ૨૨ સ્ટોક હોલ્ડર્સને રૂ.૬.૮૧ કરોડ, છોટાઉદેપુર જિલ્લામાં ૩૬ સ્ટોક હોલ્ડર્સને રૂ.૫.૨૭ કરોડ, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૬ સ્ટોક હોલ્ડર્સને રૂ.૪.૨૪ કરોડ અને ગાંધીનગર જિલ્લામાં ૩૪ સ્ટોક હોલ્ડર્સને રૂ.૩.૪૩ કરોડથી વધુ રકમની દંડની નોટિસો ફટકારવામાં આવી છે.