રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (13:56 IST)

અપહરણ, ખંડણીના ગુનામાં સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સામે કેસ

સુરત શહેરના બિલ્ડર અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના માલિક મહેશ સવાણી સામે એક બિલ્ડરના અપહરણ અને ખંડણી માગવાનો કેસ દર્જ કર્યો છે. છેલ્લા એક દસકાથી અનાથ બાળાઓનાં સમૂહ લગ્નનું આયોજન કરી ખ્યાતિ મેળવનાર સવાણીએ 65 વર્ષનાં ગૌતમ પટેલનું તેના ઘરેથી અપહરણ કરી તેના છૂટકારા માટે 19 કરોડ માગ્યા હતાં. પટેલની ફરિયાદના આધારે પોલીસે સવાણી, તેના મદદનીશ ગોપાલ અને અન્ય 4 સામે ખંડણી અને અપહરણનો ગુનો નોંધ્યો છે. પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગોપાલ અને અન્ય ચાર માણસો કારમાં આવી તેમની સાથે જવા કહ્યું ત્યારે તે પોતાના પાર્લે પોઇન્ટ ખાતેના ઘરે હતાં. પટેલે ઇન્કાર કરતાં સવાણી આવી પહોંચ્યા હતા અને બળજબરીથી ફરિયાદીને વેસુ ખાતેની ઓફિસે લઇ જઇ 19 કરોડની માગણી કરી હતી. આરોપીએ ફરિયાદીને ફડાકો ઝીંકી દીધો હતો. પુત્રના લગ્ન માટે તાજેતરમાં અમેરિકાથી પાછા ફરેલાં પટેલે જણાવ્યું હતું કે સવાણીએ મને ધમકી આપી હતી કે, તેના ઉચ્ચસ્તરે સંપર્ક છે અને નાણાં ચૂકવવામાં નહીં આવે તો તે મને મુશ્કેલીમાં મૂકી દેશે. મેં તેની પાસેથી નાણાં ઉધાર લીધાનો ઇન્કાર નથી કરતો પણ તેઓ મારા પર જે રીતે દબાણ કર્યું તે ખોટુ છે. પટેલ અને થોડા વર્ષ પહેલા મૃત્યુ પામેલા તેના ભાગીદાર તરુણ રાવલે સવાણી પાસેથી 2009-10માં નાણાં ઉછીના લીધા હતાં. ઉછીની રકમમાંથી પટેલે સવાણીને 3 કરોડ આપવાના હતા. પટેલે જણાવ્યું હતું કે, ધંધામાં નુકસાન જતાં હું સમયસર નાણા ચૂકવી શક્યો નહોતો. તેથી મે સવાણીને જમીનના પ્લોટમાં 60 ટકા ભાગ રાખ્યો હતો. જમીન વિવાદમાં ફસાઈ હોવાથી સવાણીને રકમ ચૂકવી શક્યો નહોતો અને એથી તે મને હેરાન કરતો હતો. હું ભાગી રહ્યો નથી અથવા નહીં ચૂકવાયેલી લોનનો ઇન્કાર કરતો નથી. સીસીટીવી ફૂટેજમાં સવાણી અને અન્ય આરોપીઓ પટેલને તેમની સાથે લઇ જતાં દેખાય છે. દરમિયાન પોલીસે ગૌતમ પટેલના નિવાસસ્થાનેથી ત્રણ માણસોની અટકાયત કરી હતી, પણ પાછળથી તે અદ્રશ્ય થઇ ગયા છે. પટેલના અપહરણ પછી તેની પત્નીએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. એ વખતે ત્રણ આરોપીઓ નાણા વસૂલવા પટેલને તેના ઘરે લઇ આવ્યા હતાં. બરાબર એ સમયે પોલીસવાન આવી પહોંચી હતી. અને ત્રણેયને અટકમાં લીધા હતા. ફરિયાદ લખાઈ રહી હતી ત્યારે તે ભાગી છૂટ્યા હતાં.