રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 એપ્રિલ 2022 (10:44 IST)

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ભાવનગર જવા રવાના, જીતુ વાઘાણીના મત વિસ્તારની સરકારી સ્કૂલોની મુલાકાત લેશે

manish sisodiya
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જોવાની ઉત્સુકતા છેઃ સિસોદિયા
 
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. એરપોર્ટથી સીધા તેઓ ભાવનગર જવા માટે રવાના થયાં હતાં.આજે તેઓ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવશે.મનીષ સિસોદિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે હું ગુજરાતની મુલાકાતે આવ્યો છું ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જોવાની ઉત્સુકતા છે કે ભાજપે સરકારી સ્કૂલોમાં કેટલો બદલાવ કર્યો અને સુધારો કર્યો. આજે હું સ્કૂલોની મુલાકાત લેવા આવ્યો છું.

 
'શિક્ષણમંત્રી ગુજરાતની સ્કૂલ-કોલેજો ક્યારે ઠીક નહીં કરે'
સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન કરતાં કહ્યું કે, તેઓ ગુજરાતની સ્કૂલ-કોલેજો ક્યારે ઠીક નહીં કરે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય તે ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દ્રષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે?
 
અગાઉ ઈશુદાને કહ્યું-કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી
આમ આદમીના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી. આઠ મહિના પછી ગુજરાતમાં આમ આદમીની પાર્ટી સરકાર બનાવશે અને સારી સુવિધા વાળું શિક્ષણ અમે આપીશું. દિલ્હીમાં જે સારી સ્કૂલો બની છે તે અમે ગુજરાતમાં બનાવીશું.
 
'ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી'
સિસોદિયા આજે ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલઓની મુલાકાત લેશે અને પોતે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ લેશે અને દેશ અને ગુજરાતની જનતા સમક્ષ લાવશે. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી તો આમ આદમી પાર્ટી તેને ગુજરાતની જનતા સુધી લઈ જશે. ગુજરાતમાં યુવાનો માટે સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલના શાસનના મોડલથી જ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુધારી શકાય છે.