ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (14:28 IST)

સુરતમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર, અમદાવાદમાં પણ વરસાદી ઝાંપટુ

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. આ સાથે આજે અમદાવાદ અને સુરતમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં એસજી હાઈવે સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટુ પડ્યું છે જ્યારે સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી હતી ત્યારે સુરતમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને ઠેર- ઠેર પાણી ભરાય ગયા હતા. વરસાદને પગલે વાહનચાલકોને હાલાકી પડી હતી તેમજ મુશળધાર વરસાદને કારણે ઓછી વિઝિબ્લિટી થઈ જતા વાહન ચાલકો અને કાર ચાલકોને લાઈટ ચાલુ રાખવી પડી હતી. સુરતમાં અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરતમાં આજે આઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું ત્યારે હવે એસજી હાઈવે પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાંપટું આવ્યુ હતું. સુરત ઉપરાંત આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા, સરખેજ, ગોતા, બોપલ, શેલા, શીલજ, પ્રહલાદનગર, SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

જેમાં 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધઆયો છે. આ સાથે જ આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આવતીકાલથી વરસાદનું જોર વધશે તેવી આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, દમણ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સિવાય અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત મહીસાગર, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર, આવતીકાલથી એટલે કે બુધવારથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે. આવતીકાલથી અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, ભરૂચ, આણંદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત આવતીકાલથી 22 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.