ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (16:07 IST)

21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમા માવઠાની શક્યતા, શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયા ૧૦.૫ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. 
 
આ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી
હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે તા.17ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કું રહેશે. તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.
 
રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે
રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં ઉત્તર-પૂર્વીય દિશાનો પવન જમીની સ્તરથી ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. મતલબ ઠંડી ઘટશે. જો કે હજુ પણ શહેરમાં મોડી રાત્રે અને પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે. પાટનગર ગાંધીનગરના લોકો પણ ઠંડીની તીવ્રતા અનુભવી રહ્યાં છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું.
 
બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ
બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે જો કે રાતના સમયમાં તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી.