1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (12:01 IST)

મહેસાણા અર્બન બેંકની સભામાં હોબાળો, ડિરેક્ટરો ઉભી પૂંછડીએ ભાગ્યા

ગુજરાતમાં બીજા નંબરની મલ્ટીસ્ટેટ ગણાતી મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બાદ સોમવારે પ્રથમવાર મળેલી સાધારણ સભા ગણતરીની મિનિટોમાં હલ્લાબોલમાં ફેરવાઈ ગઈ હતી. સભામાં સભ્યોએ હોબાળો મચાવતા બેંકના ડિરેક્ટરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા અર્બન બેંકમાં લોનધારકોના રૂ. એક કરોડના વ્યાજ માફી અંગે સીઇઓ બોલતા હતા, ત્યાં સભાસદોમાંથી બાકીદારોના નામ જાહેર કરો... ના નારા સાથે જોતજોતામાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન સભાસદોનું ટોળું મંચ ઉપર ધસી આવતાં અંદરોઅંદર થયેલી ઝપાઝપીથી મામલો ગરમાયો હતો. જેમાં પોલીસની ઉપસ્થિતિમાં સમયસૂચકતા દાખવી સીઇઓ સહિત સત્તાધિશો સાઇડના દરવાજેથી સભા સ્થળેથી રવાના થઇ ગયા હતા. ઝપાઝપીમાં ડી.એમ. જૂથનાં હારેલા ઉમેદવાર પાલાવાસણાનાં સરપંચ આશાબેન (મટી) પટેલ સાથે કોઇએ અસભ્ય વર્તન કરતાં સભાસદોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. પોલીસના સમજાવટના પ્રયાસો પણ સભાસદોનો આક્રોશ શમવાનું નામ ન લેતાં ઝપાઝપી બાદ મારામારી જેવો માહોલ સર્જાતાં ડી.એમ. પટેલ સિવાય તમામ ડિરેક્ટરો અને સીઇઓને તેમના જૂથના સભાસદો મંચ બાજુના દરવાજેથી બહાર લઇ ગયા હતા.