ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (12:38 IST)

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસની સર્જરી શરૂ, હાલમાં 9 વોર્ડ કાર્યરત, દર્દીઓ માટે ઇન્જેક્શનની માગ

ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે છેલ્લા 3-4 દિવસમાંથી સિવિલમાં સવારની સાથે રાત્રે પણ દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરાયું છે. દરરોજ અંદાજે 30થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે, સાથે જ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ઈન્જેક્શન માટે પણ તડપી રહ્યા છે. એક-એક ઈન્જેક્શન માટે દર્દીનાં સગાં કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે. રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. થોડા સમય પહેલાં સિવિલમાં દરરોજ 20થી 22 લોકોની સર્જરી થતી હતી, જે વધીને હવે 30થી વધુ થઈ ગઈ છે, સાથે જ દર્દીઓની સંખ્યામાં સતત વધારાને કારણે એક નવો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે હવે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ 9 વોર્ડ કાર્યરત છે. અમદાવાદ બાદ સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ રાજકોટમાં છે. અહીં પણ 500ની આસપાસ દર્દીઓ દાખલ છે. ત્યાર બાદ વડોદરામાં 185 તેમજ સુરતમાં 170ની આસપાસ દર્દીઓ દાખલ છે. ગઈકાલે સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી ત્રણ દર્દીનાં મોત પણ નીપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલમાં ઈએનટીના ડોક્ટર તેમજ આંખના ડોક્ટરો સાથે મળીને દિવસ-રાત દર્દીઓના ઓપરેશન કરી રહ્યા છે. કોરોના મહામારી હજુ સમાપ્ત નથી થઈ, ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધું છે કે દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેન્દ્રના મતે, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે, જોકે હકીકતમાં આ આંકડો આશરે પાંચ હજારથી પણ વધુ છે. આમાંથી 50%થી વધુ લોકો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓને Amphotericin B ઈન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ રાજ્યમાં દર્દીઓનાં સગાં ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યાં છે.