સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (11:25 IST)

વ્હાઇટ ફંગસ : બ્લૅક ફંગસથી કઈ રીતે અલગ છે આ બીમારી અને કેટલી જોખમી?

વ્હાઇટ ફંગસ : બ્લૅક ફંગસથી કઈ રીતે અલગ છે આ બીમારી અને કેટલી જોખમી?
દેશમાં હાલમાં કોરોના મહામારીની બીજી લહેર થોડી ધીમી પડી છે અને પણ તેમાં મ્યુકરમાઇકૉસિસ એટલે કે 'બ્લૅક ફંગસ'ના કેસ પણ વધી રહ્યા છે.
 
આમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.
 
તો ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે બ્લૅક ફંગસને મહામારી ઘોષિત કરી છે. ત્યારે આવી જ વધુ એક બીમારીને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ બીમારી છે 'વ્હાઇટ ફંગસ' એટલે કે સફેદ ફૂગ, જે બ્લૅક ફંગસ કરતા વધારે જોખમી હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.
 
ખાસ કરીને બિહારના પટનામાં વ્હાઇટ ફંગસના કેસો વધારે આવ્યા છે.
 
આ નવી બીમારીને લઈને તબીબી નિષ્ણાતો વધુ ચિંતિત છે. જોકે હજી સુધી સત્તાવાર રીતે સરકારે આવી કોઈ બીમારી વિશે જાહેરાત નથી કરી. ના તો આવા કોઈ કેસ સત્તાવાર રીતે નોંધવામાં આવ્યા છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક નિવેદનમાં પારસ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને રેસ્પરેટરી મેડિસિન વિભાગના હેડ ડૉ. અરુનેશ કુમાર કહે છે કે બ્લૅક ફંગસ કરતાં 'વ્હાઇટ ફંગસ' વધારે જોખમી છે.
 
વ્હાઇટ ફંગસ એટલે કે સફેદ ફૂગ છે શું?
 
ડૉ. અરુનેશ કુમાર કહે છે કે આ સંક્રમણ એવા લોકોને થાય છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને તેઓ પ્રવાહી વસ્તુઓના સંપર્કમાં આવ્યા હોય. તેઓ કહે છે કે આમાં સ્વચ્છતા મહત્ત્વની છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર વ્હાઇટ ફંગસ કેંડિડિઆસિસ તરીકે ઓળખાય છે, તે ફંગલ ઇન્ફેક્શન છે.
 
અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન – સીડીસી પ્રમાણે વ્હાઇટ ફંગસ એ મગજ, હૃદય, રક્ત, હાડકાં અને શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે.
 
સીડીસીની વેબસાઇટ પ્રમાણે કેંડિડિઆસિસ એક પ્રકારની ફૂગને કારણે થાય છે. જેને કેન્ડીડા કહે છે. કેન્ડીડા સામાન્ય રીતે શરીરમાં ઉદ્ભવતી ફૂગ છે, જે મોઢા, ગળા અને શરીરના ગુપ્ત ભાગને સંક્રમિત કરી શકે છે.
 
જોકે જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય, તેમને આનો ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. આવા દર્દીઓના શરીરમાં ફૂગ જન્ય સંક્રમણ પ્રવેશવાની અને પ્રસારની શક્યતા વધારે રહેલી હોય છે.
 
કોરોના રસી લીધા પછી પણ થાય છે સંક્રમણ, વૅક્સિન કેટલી અસરકારક?
કોરોના બાદ પોતાનાં ફેફસાં અને હૃદયનું આવી રીતે રાખો ધ્યાન
 
વ્હાઇટ ફંગસનાં લક્ષણો શું છે?
 
સીડીસી પ્રમાણે જેમણે લાંબો સમય આઇસીયુમાં વિતાવ્યો હોય, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમણે કિમો થૅરપી કે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હોય અથવા જેમના વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ ઓછા હોય. તેમને આનો ચેપ લાગી શકે છે.
 
આ ઉપરાંત જેમણે એકથી વધારે સર્જરી કરાવી હોય. માત્ર નળીથી ખોરાક અપાતો હોય, ડાયાબિટીસ હોય એવા દર્દીઓ વધુ જોખમ રહે છે.
 
આ રોગ ચેપી નથી, કારણ કે તે મોટા ભાગના કેસમાં માણસથી માણસમાં નથી ફેલાતો. જોકે કેટલાક કિસ્સાઓમાં તે ચામડીમાં સંક્રમિત થયા બાદ બીજાને ચેપ લગાડી શકે છે.
 
વ્હાઇટ ફંગસમાં કોવિડ જેવાં લક્ષણો હોય છે, જોકે આવા દર્દીઓનો કોવિડ રિપોર્ટ નૅગેટિવ આવે છે. સિટી સ્કેન અને એક્સ-રેની મદદથી આ સંક્રમણ વિશે જાણી શકાય છે. વ્હાઇટ ફંગસ માત્ર ફેફસાને અસર નથી કરતી પરંતુ તે શરીરના અન્ય ભાગો જેવા કે નખ, સ્કીન, પેટ, કિડની, મગજ, મોઢું અને શરીરના ગુપ્ત અંગોને અસર કરી શકે છે.
 
નિષ્ણાતોના મતે કોવિડના દર્દીઓને વ્હાઇટ ફંગસનું જોખમ વધારે રહેલું હોય છે. અને તેનાં લક્ષણો પણ કોરોના વાઇરસ બીમારી જેવાં જ હોય છે.
 
વ્હાઇટ ફંગસનું કોને વધુ જોખમ છે?
 
ડૉ. અરુનેશ કુમાર કહે છે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જેમને કૅન્સર છે, અને જેઓ લાંબા સમયથી સારવાર માટે સ્ટૅરોઇડ્સ લઈ રહ્યા હોય, તેમને વ્હાઇટ ફંગસનું જોખમ વધારે રહેલું હોય છે. કોરોના દર્દીઓ કે જેઓ ઓક્સિજન સપોર્ટ પર હોય છે, તેમને પણ આ ચેપ લાગી શકે છે. એટલે આ રીતે તે બ્લૅક ફંગસ જેવી જ છે. પરંતુ તેની અસર શરીરના અન્ય ભાગો પર થાય છે.
 
ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના નિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે ગુરુવારે કહ્યું હતું કે ફંગસનો રંગ તેના વિકાસને આધારિત છે. ત્વચામાં નમીને આધારે આવા સંક્રમણનો પ્રસાર થતો હોય છે.
 
તેમણે કહ્યું કે વિશેષ તપાસ વિના વ્હાઇટ ફંગસ વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
 
દેશના અન્ય ભાગોમાં વ્હાઇટ ફંગસ વિશે ખાસ પુરાવા નથી મળ્યા. જોકે તબીબોના મતે તે વાઇરસના રૂપમાં ઉગ્ર બની શકે છે. વ્હાઇટ ફંગસને કારણે થતા મૃત્યુના દર વિશે પણ ખાસ સ્પષ્ટતા નથી.
 
કરમાઇકૉસિસ એ એક ફૂગજન્ય રોગ છે, જે તબીબીજગત માટે નવો નથી અને અગાઉ તે ઝિગોમિકૉસિસ તરીકે ઓળખાતો હતો. મ્યુકરમાઇસેટ્સ ફૂગસમૂહને કારણે થાય છે. તેને બોલચાલની ભાષામાં 'કાળી ફૂગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
આ ફૂગ 'તકવાદી' છે, તે આપણા પર્યાવરણમાં મોજૂદ હોય છે, સડેલાં પાંદડાં, પશુઓનાં મળ, સડેલી શાકભાજી અને ફળોમાં આ ફૂગ ઉત્પન્ન થાય છે.
 
નસકોરાં મારફત ફૂગના બીજકણ; ચામડી પરના ઘા, ઈજા, વાઢિયા, દાઝેલા ભાગ કે અલસર મારફત શરીરમાં પ્રવેશી શકે છે. તે શરીરના કોઈ પણ ભાગેથી પ્રવેશી શકે છે.
 
પરંતુ જ્યારે કોઈની રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય તો તેના ઉપર અસર કરી દે છે, સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારને આ ફૂગ ખાસ નુકસાન નથી પહોંચાડી શકતી.
 
કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય છે, જેમણે તાજેતરમાં અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય, જેમની કિડની કે કૅન્સરની સારવાર ચાલતી હોય, કિમો થેરપી ચાલતી હોય, ડાયાબિટીસ અનિયંત્રિત રહેતું હોય, તેમની ઉપર આ બીમારી અસર કરી શકે છે.
 
જેમના લોહીમાં શ્વેતકણ ખૂબ જ ઓછા હોય (ન્યૂટ્રૉપેનિયા), જેમની લાંબા સમયથી સ્ટિરૉઇડવાળી ચામડીના રોગની દવા ચાલુ હોય, જેમના શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય કે (હિમોક્રૉમાટોસિસ) હોય, જે બાળકનો સમય કરતાં વહેલો જન્મ થયો હોય અથવા જન્મસમયે ઓછું વજન હોય તેમને પણ આ ચેપ લાગવાનો ભય રહે છે.