મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:29 IST)

મોદી આવે છે એટલે રસ્તા રીપેર થાય છે. બાકી લોકોને કોર્પોરેશનનું રામનામ જ સાંભળવુ પડતું

ગુજરાતમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં રોડ અને હાઈવેને ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે શહેરોના રોડો તો જાણે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો હોય તેમ લોકોના પગ તોડી રહ્યાં છે. ત્યારે અનેક  રજુઆતો બાદ પણ આ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ નહીં ધરાતા લોકો ત્રાહીમામ પોકારી ગયાં હતાં. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે ત્યારે તેમની મુલાકાત અને તેમની ગુડબુકમાં રહેવા માટે રસ્તા રીપેરીંગનું કામ આરંભી દેવાયું છે.

લોકો એવું પણ કહે છે કે જો ગુજરાતમાં મોદી ના આવે તો આ રસ્તા ક્યારેય રીપેર થાય નહીં,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદમાં ધોવાઈ ગયેલા રોડનું સમારકામ કરવા માટે કોન્ટ્રાક્ટરો અને એન્જીનિયરોની ફોજ ખડકી દેવામાં આવી છે. આ ઝડપનું કારણ છે સપ્ટેમ્બર માસમાં જાપાની પ્રધાનમંત્રી સાથે PM મોદી અમદાવાદ આવવાના છે. અમદાવાદના કુલ 202 કિમીના રસ્તાઓને રિપેરીંગની જરુરિયાત છે.VVIP રુટ ધરાવતા શહેરના કેટલાંક રસ્તાઓને પ્રાથમિકતા અપાઈ છે. નોંધનીય છે કે 17 પટ્ટા પર રિપેરીંગ અને માઈક્રો રિસરફેસિંગની જરુરિયાત છે. આ કામ ઝડપથી પુરુ કરવા માટે ચાર હોટ મિક્સ પ્લાન્ટ અને સાત પેવર વ્હિકલ્સ કામે લગાડાયા છે.રિપેરીંગની સાથે સુરક્ષા બંદોબસ્ત પણ વધુ ચુસ્ત બનાવાયું છે. નોંધનીય છે કે સુરક્ષા બંદોબસ્ત માટે યોજાયેલી મિટિંગમાં AMC કમિશનર અને કલેકટરને પણ સામેલ કરાયા હતા. આવનારા દિવસોમાં જાપાનથી આવેલા સુરક્ષા નિષ્ણાતો સાથે અધિકારીઓની મિટિંગ યોજાશે.