ધ્રાંગધ્રામાં આકાશમાંથી સક્રિટ વાળું બોક્સ પડ્યું, પોલીસે તપાસ આરંભી
ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની નજીક આવેલી ક્ષત્રિય યુવકની વાડીમાં કામ કરતા સમયે એકાએક આકાશમાંથી સફેદ કલરનું બોક્ષ પડતા ખેડુતે જોતા સર્કીટ સહીતનું શંકાસ્પદ દેખાતા તાત્કાલીક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી . પોલીસે ઘટના સ્થળે જઇ બોક્ષની પ્રાથમિક તપાસ કરી વાડી માલીક અને ગ્રામજનોની હાજરીમાં આ બોક્ષ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની બાજુમાં જ જેગડવા ગામના જ અમરસિંહ બહાદુરસિંહ વાઘેલાની વાડી આવેલી છે.જે વાડીમાં વાવેલા કપાસમાં અમરસિંહ પોતે કામ કરતા હતા.
એવામાં એકાએક આકાશમાંથી સફેદ કલરનું બોક્ષ પોતાની નજર સામે જ પડયુ હતુ.જેથી બોક્ષ પડતા જોતાની સાથે જ તેઓ દોડી જઇ બોક્ષ ખોલ્યુ હતુ.બોક્ષ ઉપર ઇગ્લીશમાં લખાણ અને બોક્ષની અંદર ઇલેકટ્રીક સર્કીટ,ચાર સેલ સહીતની શંકાસ્પદ સામગ્રી જોતા તેઓએ ગંભીરતાથી તાત્કાલીક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને આકાશમાંથી પડેલા બોક્ષની માહીતી આપી હતી. આ સમયે જેગડવા ગામમાં પણ આકાશમાંથી બોક્ષ પડયાની વાત મળતા ગ્રામજનો પણ બોક્ષ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. બોક્ષ ઉપર બેઇજીંગ લખેલુ દેખાતા બેઇજીંગની બનાવટ હોવાનુ જણાતુ હતુ.પ્રાથમિક તપાસમાં આ કોઇ ખાસ પ્રકારનું ડીવાઇસ જણાયુ હતુ.પરંતુ વિમાનમાંથી પડયુ છેકે,સરકારી કોઇ ઉપકરણ જેવુ કે વાતાવરણ,દિશા સુચક કે અન્ય કઇ બાબતમાં આ વપરાતુ હશે એ હજી સુધી જાણી શકાયુ નથી.આમ ગામડામાં અને એ પણ મિલેટ્રી સ્ટેશન નજીકના વિસ્તારમાં આવુ શંકાસ્પદ ઇલેકટ્રીક સર્કીટ સાથેનુ બોક્ષ પડતા દોડધામ મચી ગઇ હતી.હાલ તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ બોક્ષને કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકા પી.આઇ.જે.વી સોલંકીએ જણાવેલકે જેગડવા ગામની અમરસિંહ વાઘેલાની વાડીમાંથી મળેલુ આ ઇલેકટ્રીક સર્કીટ વાળુ શંકાસ્પદ સફેદ કલરનું આ બોક્ષ કયાંથી આવ્યુ,કેવી રીતે પડયુ અને ખાસ કયા કામ માટે વપરાય છે અને વપરાતુ હતુ જે અહી જ કેવી રીતે પડયુ આ તમામ બાબતની ઉંડાણ પુર્વક તપાસ માટે બોક્ષ એફ.એસ.એલ.માં મોકલીએ છીએ. મિલેટ્રી સ્ટેશન નજીક હોવાથી અતીસંવેદનશીલ(બોક્ષ) આ બોક્ષ જ્યાંથી મળી આવ્યુ છે એ વાડીથી માત્ર ત્રણેક કિલોમીટરના અંતરે જ સૌથી મોટો ધ્રાંગધ્રાનો મિલેટ્રી કેમ્પ આવેલો છે જેના કારણે કોઇએ બીજી કોઇ આર્મીની કામગીરી ઉપર નજર રાખવા કે એવા દુશ્મની હેતુથી આ બોક્ષ આ તરફ મોકલવાનો પ્રયાસ કર્યો છેકે કેમ આવી અનેક બાબતોને લઇ આવુ બોક્ષ અતી સંવેદનશીલ ગણી શકાય છે. બીજી તરફ જો આ બોક્ષ સરકારી કોઇ ઉપકરણનું હશે તો આ બોક્ષ વગર જે કામનો હેતુ હશે એ સીસ્ટમ તો બંધ જ થઇ ગઇ હશે તો જેતે વિભાગના અધિકારીઓને તો ચોકકસ ખ્યાલ આવી જ ગયો હશે હવે તપાસમાં આ ડીવાઇસ કોનુ નીકળે છે એની સામે તંત્રની મીટ મંડાયેલી છે. આ બોક્ષ ઉપર અમદાવાદના કોડ સાથેનો નંબર પણ લખેલો છે અને બેઇજીંગ ઇન્સ્ટીટયુટ ઓફ રેડીયો મેસ્યુરમેન્ટ એવુ લખેલુ વંચાય છે.અને બોક્ષમાં પ્લેટીનયમ વાળી ચાર સર્કીટ,ચાર વિદેશી સેલ સહીતની સામગ્રી દેખાય છે.