ગુજરાત બ્રહ્મ સમાજે સવર્ણજ્ઞાતિ આયોગનો વિરોધ કર્યો, દલિત આગેવાનોએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું
વિધાનસભાની ચૂંટણી આવતાં ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. પાટીદારોના મનામણાં માટે સરકારે સવર્ણજ્ઞાાતિ આયોગ રચવા જાહેરાત કરી છે જેના પગલે દલિતો અને બ્રાહ્મણો રિસાયાં છે. તેમણે ગુજરાત અનુસુચિત જાતિ આયોગ અને બ્રહ્મ વિકાસ આયોગ બનાવવા માંગ કરી છે.
દલિતોએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી છેકે, ભાજપના રાજમાં પાટીદાર પોતાનાંને, દલિતો પારકાં હોય તેવો ઘાટ ઘડાયો છે. થાનગઢ અને ઉનાકાંડના તપાસ અહેવાલ જાહેર કરવામાં આવતા નથી. દલિતોના હક માટે આંદોલનો કર્યાં પણ સરકારે કયારેય ચર્ચા માટે બોલાવ્યાં નથી. બીજી તરફ, પાટીદારોને સરકાર સામે ચાલીને ચર્ચા માટે બોલાવીને આયોગની જાહેરાત સુધ્ધા કરી દે છે. સરકાર દલિતોના પ્રશ્નો ઉકેલવામાં જાણીબૂઝીને આંખ આડા કાન કરે છે. દલિતોએ ગુજરાતમાં અનુસુચિત જાતિ આયોગ બનાવવાની માંગ કરી છે આ તરફ, ગુજરાત બ્રહ્મ સમાજે સવર્ણ વિકાસ આયોગને ચૂંટણીલક્ષી સ્ટંટ ગણાવી ભરપૂર વિરોધ કર્યો છે. એવો આક્ષેપ કરાયો છેકે, એક જ જ્ઞાતિના લોકોને બોલાવી સરકારે આયોગની રચના કરી છે.ભાજપ સરકાર તૃષ્ટિકરણ કરી રહી છે. આગામી ૫મી ઓક્ટોબરે બ્રહ્મ સમાજની એક બેઠક મળી રહી છે જેમાં ચૂંટણીનો બહિશ્કાર કરવા નિર્ણય લેવામાં આવશ.આમ, પાટીદારોને પંપાળવામાં ભાજપ સરકારથી દલિતો,બ્રાહ્મણો બન્ને સમાજ ખફા થયાં છે. જે ભાજપ સરકારને ચૂંટણીમાં મુશ્કેલીમાં મૂકી શકે છે.