બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (17:22 IST)

સરકાર બન્યા બાદ હવે ભાજપમાં નેતાગીરી બદલાય તેવી શક્યતાઓ

ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી અટકળ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી હોવાથી હવે મહત્વના પદ પર  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતથી કોઈ આક્રમક ચહેરો પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના આંતરિક સૂત્ર કહે છે કે, પ્રદેશ ભાજપના માળખાને હવે બદલવો પડે તેવી સ્થિતી નિર્માણ થઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સૌરાષ્ટ્રમાંથી આવે તેમ છે. તેથી ત્રણ મહત્વના હોદ્દા સૌરાષ્ટ્રના જ રહે તેવું ન બને અને પ્રદેશની સમતુલા જળવાય તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવે છે. ઉત્તર ગુજરાતમાં ચૂંટણી હારી ગયેલાં શંકર ચૌધરીને મહત્વના હોદ્દા પર લઈ જવા અથવા તો બોર્ડ-નિગમમાં સ્થાન આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.

તેઓ મહામંત્રી તરીકે પક્ષ પર અંકુશ ધરાવતાં હતા. ઉત્તર ગુજરાતે આ વખતે ભાજપનું નાક બચાવી લીધું છે. તેથી શંકર ચૌધરીને પ્રદેશ કક્ષાએ મહત્વના હોદ્દા માટે લાયક ઉમેદવાર માનવામાં આવે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ વખતે સરકારમાં અને પક્ષમાં સારું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. તેથી પહેલો હક્ક વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદનો છે. આ વિસ્તારોથી પ્રદેશના માળખામાં નેતા હોવા જોઈએ એવી અગાઉ અનેક વખત માંગણી થઈ છે. જેમાં શંકર વેગડ કોળી પ્રભુત્વ ધરાવે છે. દેવુંસિંહ ચૌહાણ ખેડા વિસ્તારમાં ઓબીસી છે અને ઠાકોર સમાજનું પુરતું પ્રતિનિધિત્વ જોવા મળે તે હેતુથી તેમને પણ પ્રદેશ કક્ષાએ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાઈ આવી રહ્યું છે. જો કે પક્ષને આકર્ષણ પુરું પાડે એવા બે સાંસદના ચહેરા છે જેમાં પરસોત્તમ રૂપાલા અને પુનમ માડમ છે. પણ તેઓ સૌરાષ્ટ્રાના હોવાથી તેમની નિયુક્તિ સામે પ્રશ્નાર્થ ઊભા થઈ શકે તેમ છે.