શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2018 (14:47 IST)

૧૧ ગુજરાતી અગ્રણીઓ ગવર્નરપદ પર બિરાજમાન થઈ ચૂક્યા છે

મધ્યપ્રદેશનાં ગવર્નર (રાજ્યપાલ) તરીકે ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની નિયુક્તિ થઇ છે. કેટલાક સૂત્રોએ કોઇ ગુરાતી મહિલાને ગવર્નરપદે નીમ્યાની ઘટનાને પ્રથમવારની ગણાવી પરંતુ હકીકત એ છે કે ભૂતકાળમાં કુમુદબહેન જોષી આંધ્રપ્રદેશમાં રાજ્યપાલપદે રહી ચૂક્યાં હતાં. દરમિયાન એક ડઝન ગુજરાતીઓ આવું બંધારણીય પદ સંભાળી ચૂક્યા છે. 'ુગુજરાતની અસ્મિતા' જેવા બળકટ શબ્દપ્રયોગ અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા. મુનશી) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. આઝાદી પછીનાં દિવસોમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૪૮થી ૧૯૫૨ દરમિયાન મદ્રાસ સ્ટેટના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. એ ઉપરાંત સર ચંદુલાલ માધવલાલ ત્રિવેદી ૧૯૪૬થી ૧૯૫૩ દરમિયાન ઓડિશા, પંજાબ અને આંધ્રના ગવર્નર રહ્યા હતા. જામનગરના મહારાજા હિંમતસિંહજી હિમાચલ પ્રદેશના પ્રથમ ગવર્નરપદે (૧ માર્ચ ૧૯૫૨થી ૩૧ ડિસેમ્બર ૧૯૫૪) રહ્યા હતા. તેઓ જામ રણજીતસિંહજીના પિતરાઇ અને દુલીપસિંહજીના ભાઇ હતા. કોંગ્રેસ સાથે સંકળાયેલા જે ગુજરાતી અગ્રણીઓ રાજ્યપાલ બન્યા તેની યાદી પર નજર નાખવા જેવી છે. જયસુખલાલ હાથી પંજાબના ગવર્નરપદે રહેલા. તો કે.કે. શાહ તમિલનાડુના, અને ખંડુભાઇ દેસાઇ આંધ્રપ્રદેશના. ૧૯૭૭માં જનતા સરકાર રચાઇ તે પછી તમિલનાડુના ગવર્નરપદે પ્રભુદાસ પટવારીની નિયુક્તિ થઇ હતી. કટોકટીકાળ વખતે ડાઇનેમાઇટ કેસમાં તેમનું નામ પણ જ્યોર્જ ફર્નાન્ડીઝ વગેરે સાથે સંકળાયું હતું. દક્ષિણ ગુજરાતનાં મહિલા અગ્રણી કુમુદબહેન જોશી પણ આંધ્રપ્રદેશનાં ગવર્નર બન્યા હતાં. કોઇ ગુજરાતી મહિલાને આ પદ પર નિયુક્ત કરાયાં હોય તેવી પહેલી ઘટના હતી. ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી, વિધાનસભા સ્પીકર, વરિષ્ઠ અગ્રણી વજુભાઇ વાળા ૨૦૧૪માં, દિલ્હીમાં ભાજપ સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી કર્ણાટકના રાજ્યપાલપદે નિમાયા હતા. વજુભાઇએ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિધાનસભા બેઠક ખાલી કરી આપી હતી. પછીના દિવસોમાં એમને મંત્રીપદ ન આપીને વિધાનસભાના અધ્યક્ષપદે મૂકાયા હતા. મુખ્યમંત્રી બનવાની ક્ષમતા ધરાવતા આ અગ્રણીને છેવટે રાજ્યપાલ બનાવીને ગુજરાત બહાર મોકલી દેવાયા છે. હવે ભાજપના બીજાં અગ્રણી આનંદીબહેનને પણ રાજ્ય બહાર મોકલાયાં છે. જનતા પક્ષ અને પછી ભાજપ સાથે સંકળાયેલા રહેલા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ (મુકંદ આયર્ન) વીરેનભાઇ શાહ પણ રાજ્યપાલપદ શોભાવી ચૂક્યા હતા. તેઓને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવાયા હતા.